કૅન્સરની સારવાર બાદ રિષિ કપૂરની વતન વાપસી

કૅન્સરની સારવાર બાદ રિષિ કપૂરની વતન વાપસી
મુંબઈ, તા. 10 : હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકાર રીષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂ યોર્ક કેન્સરની સારવાર માટે ગયા હતા. હવે એક વર્ષની સારવાર બાદ તે પત્ની નીતુ સાથે મુંબઇ પરત ફર્યા છે.
એરપોર્ટ પર રીષિ કપૂરના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેમણે ફોટોગ્રાફર્સને સ્માઇલ સાથે પોઝ આપ્યા હતાં. રીષિ કપૂર જ્યારે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવતાં હતાં ત્યારે તેમના પરિવારે અને મિત્રોએ તેમને ઘણો જ સાથ આપ્યો હતો. રીષિ કપૂરની પત્ની નીતુએ આ મુશ્કેલ ઘડીમાં મક્કમતાથી સાથ નિભાવ્યો હતો.
રીષિ કપૂર હવે 15 દિવસનો બ્રેક લઇને શૂટિંગ શરૂ કરશે. રીષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ભારત પરત ફરશે ત્યારે 15 દિવસ પરિવાર સાથે પસાર કરશે, ત્યાર બાદ શૂટિંગ શરૂ કરશે.
બોલિવૂડે રીષિ કપૂર ભારત પર ફરવા પર સ્વાગત કર્યુ છે. ડિરેકટર કુનાલ કોહલીએ કહ્યું હતું, ઘર આયા મેરા પરદેશી, પ્યાસ બુઝી મેરી અંખિયન કી. વેલકમ બેક સર. આ જ રીતે ફરહાન અખ્તર, અદનાન સામી, રાજ બંસલ, રાઇટર-ડિરેકટર જ્યોતિ કપૂર દાસે પણ રીષિ કપૂરને લઇ ટ્વીટ કર્યુ હતું. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer