ભારત-પાકિસ્તાન તંગદિલી બે સપ્તાહ પહેલાં હતી તે કરતાં હવે શમી છે

ભારત-પાકિસ્તાન તંગદિલી બે સપ્તાહ પહેલાં હતી તે કરતાં હવે શમી છે
ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની અૉફર ફરી દોહરાવી
નવી દિલ્હી /વોશિંગ્ટન, તા.10: ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી બે સપ્તાહ અગાઉ હતી તે કરતા હવે ઓછી કશ્મકશ ભરી રહી હોવાનું એમ જણાવવા સાથે અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની ઓફર દોહરાવી હતી.
ભારત અને પાકિસ્તાન કાશ્મીર અંગે ઘર્ષણમાં હોવાનું જાણીતું છે. તે તનાવ બે સપ્તાહ પહેલા હતો તેવા હવે ધખધખતો નથી રહ્યો એમ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું. હું તેઓને મદદ કરવાને ઈચ્છું છું. મારે બેઉ દેશો સાથે સારું બને છે. તેઓ ઈચ્છે તો હું તેઓને મદદ કરવા ઈચ્છું છું. તેઓ તે વિશે જાણે છે.
કાશ્મીર મામલે બેઉ રાષ્ટ્રો વચ્ચે મધ્યસ્થી કરાવવા ટ્રમ્પે આ કંઈ પહેલી વાર ઓફર નથી કરી.
જી-20ની સમિટ વખતે બેઉ નેતાઓ મળ્યા ત્યારે પીએમ મોદીએ કાશ્મીર પ્રશ્ને મધ્યસ્થી કરવા મને અનુરોધ કર્યો હતો તેવો ગઈ તા.22 જુલાઈએ દાવો કરીને ટ્રમ્પે તરખાટ મચાવ્યો હતો. વોશિંગ્ટનમાં પાક વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે આમ કહ્યું હતું. જો કે નવી દિલ્હીએ આવું કોઈ સૂચન ક્યારેય કર્યું નથી તેવો સ્પષ્ટ ઈનકાર કરી ભારતે ટ્રમ્પના એ દાવાને તત્કાળ નકારી દીધો હતો. સીમલા કરાર અને લાહોર ઘોષણા ટાંકીને વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત કોઈ ત્રાહિત પક્ષકાર દ્વારા મધ્યસ્થી ઝંખે તેવો કોઈ સવાલ જ નથી, કારણ કે આ પ્રશ્ન બેઉ દેશો વચ્ચેનો દ્વિપક્ષી મામલો છે.
પછી અમેરિકી વિદેશ વિભાગે ય જણાવ્યું હતું કે એ દ્વિપક્ષી પ્રશ્ન હોઈ અમેરિકા માત્ર સહાય કરી શકે. તે પછી ફરી તા. એક ઓગસ્ટે ટ્રમ્પે આવી મધ્યસ્થીની ઓફર દોહરાવી હતી, સાથે એમ પણ કહ્યું હતું કે સહાયની ઓફર સ્વીકારવી કે કેમ તે પીએમ નરેન્દ્ર મોદીએ જોવાનું છે.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer