આરે કૉલોનીનાં વૃક્ષોને હાથ તો લગાડી બતાવો, સાંખી નહીં લઈએ શિવસેના

આરે કૉલોનીનાં વૃક્ષોને હાથ તો લગાડી બતાવો, સાંખી નહીં લઈએ શિવસેના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : આરે કોલોનીમાં મેટ્રોના કારશેડ માટે 2600 વૃક્ષ કાપવાની સામે શિવસેનાએ મંગળવારે વિરોધ નોંધાવ્યો હતો.
શિવસેનાના યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરેએ આ સંદર્ભમાં પક્ષની ભૂમિકાને સ્પષ્ટ કરી હતી. શિવસેના ભવનમાં મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે મુંબઈમાં પર્યાવરણની બાબતમાં કોઈની મનમાની અમે સાંખી નહીં લઈએ.
તેમણે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેના રાજીનામાની પણ માગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે મેટ્રો સામે શિવસેનાનો સહેજ પણ વાંધો કે વિરોધ નથી. માત્ર આરેના કારશેડ સામે અમારો વાંધો છે. વિરોધ કરવા પાછળ કોઈ રાજકારણ પણ નથી, પણ એક મુંબઈકર અને પર્યાવરણ પ્રેમી હોવાને નાતે આ વિરોધ નોંધાવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈ માટે મેટ્રો આવશ્યક છે. મેટ્રોના કામને લીધે મુંબઈકરોને ત્રાસ સહન કરવો પડતો હોવા છતાં અમે સંયમ રાખ્યો હતો. અનેક રસ્તાઓ પર ખાડા થઈ ગયા છે. અમુક વખતે વૃક્ષો પણ કાપવામાં આવ્યાં. પણ મેટ્રો મૂળભૂત જરૂરિયાત હોવાથી અમે આ બધાનો વિરોધ ર્ક્યો નહોતો. આરે કોલોનીના કારશેડનો પ્રશ્ન વેગળો છે.
આરે કોલોનીનાં વૃક્ષોને બચાવવા ચાલતા આંદોલનને પણ આદિત્ય ઠાકરેએ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું જંગલનાં વૃક્ષોને કોઈ હાથ લાગડશે તો એ અમે સહન નહીં કરીએ.
તેમણે કહ્યું હતું કે પાલિકાનાં વૃક્ષ પ્રાધિકરણે ઝાડ તોડવાની પરવાનગી આપી એને કારણે લોકોનાં મનમાં એવી ભાવના જાગૃત થઈ છે કે એમની ફસામણી કરવામાં આવી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) કોર્ટ અને મુંબઈકરોને ધમકી પણ આપે છે કે કારશેડ આરેમાં નહીં બને તો મેટ્રો રખડશે. લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે એ સરકારે સાંભળવું જોઈએ. મેટ્રો અમને પણ જોઈએ છે પણ ફસામણી નહીં.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer