અમદાવાદમાં વીજ કડાકા સાથે દોઢથી ચાર ઇંચ વરસાદ

અમદાવાદમાં વીજ કડાકા સાથે દોઢથી ચાર ઇંચ વરસાદ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,  તા. 10 : શહેરમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે શહેરમાં મુશળધાર વરસાદ વરસતા એક તબક્કેઁ લોકો ડરી ગયાં હતાં. અમદાવાદના સાઉથ બોપલ નજીક આવેલા શેલા વિસ્તારમાં સારથ્ય નામના એક બિલ્ડિંગ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. આ બિલ્ડિંગ પર ત્રીજી વખત વીજળી પડતાં બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ વ્યાપી  ગયો હતો, જ્યારે બાળકો રડી પડયાં હતાં. વીજળી પડવાને કારણે અર્થિગની વ્યવસ્થાન અભાવના કારણે ત્રણેક બ્લોકની પાણીની ટાંકીને દીવાલને નુકસાન થયું હોવાનું તેમ જ કેટલાક લોકોના ટીવી પણ ઉડી ગયાં હોવાનું રહીશોનું કહેવું છે. 
અમદાવાદ શહેરમાં દોઢથી ચાર ઇંચ સુધી પડેલા વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતાં. વાસણા બેરેજમાંથી 7 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડીને વાસણા બેરેજનું લેવલ 127 ફૂટ કરવામાં આવ્યું છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 
હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વરસાદી પાણી આઇ શ્રી ખોડીયાર મંદિરના સંકુલની અંદર ફરી વળ્યાં હતાં, તો ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયડીઓમાં લોકોના ઘરોના ઓટલા સુધી પાણી ભરાયાં હતાં. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયાં હતાં, તો ઇસનપુરની અનેક સોસાયટીઓ અને મણિનગર જવાહર ચોક પાસે પાણી ભરાયાં હતાં. વત્રાલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે પશ્ચિમ વિસ્તારના વેજલપુર, વત્રાપુર, શ્યમલ, રાણીપ, ગોતા જેવા વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer