રાજ ઠાકરે : પવારનો આગ્રહ છતાં કૉંગ્રેસ લેવા તૈયાર નથી

નવી દિલ્હી, તા. 11 : મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવ્યાપી કૉંગ્રેસના સર્વેસર્વા શરદ પવારે ચર્ચા-વિચારણા કરી હતી. સૂત્રના જણાવ્યા મુજબ શરદ પવારે બે માગણી કરી હતી, જેમાં એનસીપી 250 બેઠકમાંથી 144 સીટ પર ચૂંટણી લડશે અને બીજું રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આઘાડીમાં સામેલ કરાય.
સોનિયા ગાંધીના 10, જનપથ ખાતે આવેલા નિવાસસ્થાને શરદ પવારે 45 મિનિટ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ નક્કી કર્યું છે કે વિધાનસભાની ચૂંટણી સાથે લડવી એ સાથે રાજુ શેટ્ટીના સ્વાભિમાન શેતકરી સંગઠન સહિતના નાના પક્ષોને પણ આઘાડીમાં સામેલ કરવાનું ઠરાવ્યું છે. આવા નાના પક્ષો માટે 38 બેઠક ફાળવાશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક જ અને કૉંગ્રેસ-એનસીપીએ નાના પક્ષોને 38 બેઠક ફાળવતા અઢીસો બેઠક પર બંને પક્ષો પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. એનસીપીના સર્વેસર્વા શરદ પવારે રાજ ઠાકરેની મનસેને આઘાડીમાં લેવાની માગણી કરી હતી, પરંતુ કૉંગ્રેસે એમાં રસ દાખવ્યો નહોતો. કૉંગ્રેસનું કહેવું છે કે મનસે અને કૉંગ્રેસની વિચારસરણીમાં ઘણો તફાવત છે.
હાલની વિધાનસભાની 288 બેઠકમાં ભાજપ-શિવસેનાની 185 બેઠક છે, જ્યારે કૉંગ્રેસ-એનસીપીની 73 બેઠક છે, તો અન્ય પક્ષોની છ બેઠક છે. લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષનો સફાયો બોલી ગયો હતો. કૉંગ્રેસ એક જ બેઠક પર જીત મેળવી શકી હતી તો એનસીપીને ચાર બેઠકથી સંતોષ માનવો પડયો.
રાજકીય વિશ્લેષકો સ્પષ્ટપણે માને છે કે મનસે પોતાનો પ્રભાવ દર્શાવવામાં નિષ્ફળ નીવડી છે, જ્યારે ભાજપ અને શિવસેના 2014માં તેમને મળેલી બેઠકો જાળવવામાં સફળ રહ્યા છે.

Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer