રૂા. 5 કરોડ સુધીના ટર્નઓવર પર વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાશે

મુંબઈ, તા. 11 : ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની 20 સપ્ટેમ્બરે મિટિંગ મળી રહી છે, જેમાં રૂા. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારાને નાણાકીય વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9, જીએસટીઆર-9એ અને જીએસટીઆર-9સી ભરવામાંથી મુક્તિ અપાય એવી શક્યતા છે. આથી લગભગ 85 ટકા કરદાતાને રાહત મળવાની અપેક્ષા રખાય છે. આમ તો ઉદ્યોગો 2018-'19 માટે પણ આમાંથી મુક્તિ આપવાની માગણી કરી રહ્યા છે.
અત્યાર સુધી જીએસટી રિટર્ન ઓછું ફાઈલિંગ થવાથી સીબીઆઈસી હાલમાં જ જીએસટીઆર-9, જીએસટીઆર-9એ અને જીએસટીઆર-9સી માટેની ભરવાની મુદત 30 નવેમ્બર સુધી લંબાવી દીધી હતી. જોકે, શરૂઆતથી જ વેપાર-ઉદ્યોગ વર્તુળો કહેતાં રહ્યાં છે કે આમ કરવાથી ફાઈલિંગ કરવાનું એવું વધશે નહીં, કારણ કે આમાં ઍડિટની જોગવાઈ ન હોવાના કારણે લોકોએ પહેલાં જ ભરેલા માલિક રિટર્નમાં દર્શાવાયેલા ડેટા સાથે આનું `મેચિંગ' નહીં થાય એવા ડર લઈને આ રિટર્ન નથી ભરતા. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર નાના કારોબારીને પહેલા વર્ષનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાનું વિચારી દીધું છે, જેની જાહેરાત કાઉન્સિલની બેઠકમાં થઈ શકે એમ મનાય છે.
જાન્યુઆરીથી નવું રિટર્ન આવી રહ્યું છે ત્યારે પણ લોકો 2016-17ના જીએસટીઆર-9 ભરી શક્યા નથી. આ પછી તો વાર્ષિક રિટર્નની જરૂરિયાત પર પૂર્ણવિરામ મુકાઈ જશે. આ જોતાં 2018-19 માટે રિટર્ન ભરવાનું ઔચિત્ય રહેતું નથી. આમ રિટર્ન અંગેની આ પહેલ ફક્ત 2016-17 જ નહીં, પણ 2018-19 માટે હોવા જોઈએ એમ પીએચડી ચેમ્બરના ચૅરમૅન બિમલ જૈને કહ્યું હતું. જો સપ્લાયરે કાપેલો ટૅક્સ જમા નહીં કરાવ્યો હોય તો તેને લીધે ખરીદદાર માટેની `ઈનપુટ ક્રેડિટ' અટકાવી રાખવી જોઈએ નહીં.

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer