ભાજપ વધુ બેઠકો ઉપર લડશે

ભાજપ વધુ બેઠકો ઉપર લડશે
ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભાની
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે શાસક પક્ષો ભાજપ અને શિવસેના વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી છે. એક તરફ શિવસેના 50-50ની ફોર્મ્યુલાનો આગ્રહ રાખી રહી છે તો ભાજપ 155 બેઠકનો દાવો કરવાની સાથે સેના સહયોગી એવા નાના પક્ષોને 18 બેઠક અૉફર કરશે.
જો નાના પક્ષો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સત્તાધારી પક્ષના ચૂંટણી ચિહ્ન કમળ હેઠળ ચૂંટણી લડવાની વાત માન્ય રાખે તો ભાજપનો આંક 173 બેઠક પર પહોંચશે, જ્યારે સેનાની બેઠકો માંડ સો જેટલી રહેશે, એમ ભાજપના સૂત્રએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠક છે.
ભાજપને લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિ મળી હતી અને હવે કાશ્મીરમાંથી 370મી કલમ હટાવાતા નરેન્દ્ર મોદીને રાષ્ટ્રવ્યાપી ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રએ જણાવ્યું હતું. દેશભરમાં ભાજપતરફી મોજાને ધ્યાનમાં રાખી માતોશ્રી કદાચ નવી ફોર્મ્યુલા સ્વીકારી લે એમ સૂત્રએ વધુમાં જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણી પૂર્વે એપ્રિલ મહિનામાં ભાજપ પ્રમુખ અમિત શાહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે યુતિ અંગે યોજાયેલી બેઠકમાં શિવસેનાએ 50-50 ટકા બેઠકની માગણી કરી હતી જે અંગે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હોવાનું કહેવાતું હતું, પરંતુ ભાજપને હિસાબે બેઠકોની વહેંચણી થઈ તો સરખી બેઠકોનો મુદ્દો અભરાઈ પર ચઢી જશે. જૂની ફોર્મ્યુલા મુજબ ભાજપ અને શિવસેના બંનેના ફાળે 144 બેઠક આવતી હતી. તો ભાજપ એના એનડીએના નાના સાથી પક્ષો આરપીઆઈ (આઠવલે), રાષ્ટ્રીય સમાજ પાર્ટી, શિવસંગ્રામ સંગઠના વગેરે માટે એના ક્વૉટામાંથી બેઠકો ફાળવવાની હતી.
ભાજપના વ્યૂહ રચનાકારોએ કબૂલ કર્યું હતું કે સેનાની બેઠકો 110 સુધી નીચે આવી શકે છે, પણ વાટાઘાટો દરમિયાન બે-ત્રણ સીટની વધઘટ થઈ શકે છે. બીજી બાજુ શિવસેના પણ ભાજપ સાથેની યુતિ પડી ભાંગે તો 288 ઉમેદવારોની યાદી તૈયાર રાખી છે.

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer