રેમો ડિસોઝાએ પત્ની લિઝલી સાથે કર્યાં પુન:લગ્ન

રેમો ડિસોઝાએ પત્ની લિઝલી સાથે કર્યાં પુન:લગ્ન
લગ્નની 20મી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરવા માટે ફિલ્મમેકર રેમો ડિસોઝાએ પત્ની લિઝલી સાથે ફરી એકવાર ચર્ચમાં જઇને લગ્ન કર્યાં હતાં. ફરક માત્ર એટલો હતો કે આ વખતે તેમની સાથે તેમના બંને પુત્રો ધ્રુવ અને ગેબ્રિયલ હાજર હતા. આ લગ્નમાં રેમોના અંગત મિત્રો ઉપરાંત વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર હાજર રહ્યાં હતાં. 
પુનર્લગ્નનો વિચાર કઇ રીતે આવ્યો એમ પૂછતાં લિઝલીએ કહ્યું કે, અમે ન્યૂ યોર્કમાં હતા ત્યારે આ દિવસની ઉજવણી કઇ રીતે કરવી તેનો વિચાર કરતા હતા. સૌથી પહેલાં તો માલદિવ્સ જવાનો વિચાર આવ્યો હતો. પરંતુ અમે એટલો પ્રવાસ કરીએ છીએ કે એમાં ખાસ મજા નહીં આવે એવું લાગ્યું. છેવટે મને ફરી લગ્ન કરવાનો વિચાર આવ્યો અને રેમોને તે ગમી ગયો. 
બે દાયકાના લગ્નજીવન બાદ ફરી લગ્ન કરવાનું કેવું લાગ્યું એવા સવાલના જવાબમાં રેમોએ કહ્યું કે, પહેલીવાર અમે ઉતાવળમાં લગ્ન કર્યાં હતાં અને ત્યારે આવી કશી સમજ પણ પડતી નહોતી. જયારે અત્યારે તો અમારા દીકરા જ બેસ્ટ મેન હતા એટલે વિશેષ આનંદ હતો. 
પોતાના લગ્ન જીવનના આરંભના દિવસોને યાદ કરતા લિઝલીએ કહ્યું કે, ત્યારે અમે ભાડાના ઘરમાં રહેતાં હતાં અને મહિનાને અંતે ભાડું કઇ રીતે ભરીશું એવી ચિંતા સતાવતી હતી. રેમોએ ઉમેર્યું હતું કે, ધ્રુવ જન્મયો ત્યારે તો ઘરમાં સમારકામ ચાલતું હતું અને ધોધમાર વરસાદ પડતાં ઘરની છત તૂટી પડી હતી અને ઘરમાં ચોમેર પાણી હતું. છતાં અમે હિંમત નહોતા હાર્યા અને સંઘર્ષ કરતા રહ્યા હતા.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer