સ્કાય ઇઝ પિન્ક માટે પ્રિયંકા અને ફરહાન અખ્તરનો લૂક બદલાયો

સ્કાય ઇઝ પિન્ક માટે પ્રિયંકા અને ફરહાન અખ્તરનો લૂક બદલાયો
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર શોનાલી બોઝની આગામી ફિલ્મ સ્કાય ઇઝ પિન્કમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર બે સંતાનોનાં માતાપિતા તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં બંનેની ઉંમર વધવા સાથે તેમના લૂકમાં બદલાવ દેખાડવામાં આવ્યો છે. શોનાલીએ કહ્યું કે, પ્રિયંકા 25 વર્ષની હોય છે ત્યારે તેના વાળ લાંબા દેખાડયા છે જેથી તે બબલી તરીકે ઝુલ્ફાં ઉડાડતી હોય. પછી જ્યારે તે પચાસ વર્ષની થાય ત્યારે તેના વાળ ટૂંકા કરવામાં આવ્યા છે. જ્યારે તેના ટૂંકા વાળ જોઇએ એટલે સમજાય જાય કે તેની ઉંમર વધી છે અને તેણે પોતાનું સંતાન ગુમાવ્યું છે. આ જ પ્રમાણે ફરહાનને મૂછ તથા વાંકડિયા વાળની વિગ આપવામાં આવી છે. તે યુવાન હોય છે ત્યારે વાંકડિયા વાળની વિગમાં જોવા મળે છે અને જ્યારે તેની ઉંમર વધી જાય છે અને તેની દીકરીનું મૃત્યુ થાય છે ત્યારે તેની ચોક્કસ પ્રકારની મૂછ જોવા મળશે. 
આ ફિલ્મ સત્યઘટના પરથી બની છે. રિયલ લાઇફના અદિતિ અને નિરેન ચૌધરીની આ કથા છે અને અદિતિ એવું માને છે કે જ્યારે જીવનમાં દુ:ખ વધુ હોય ત્યારે વધુ સારું તૈયાર થવું. તેની દીકરી આયશા બીમાર હોય છે ત્યારે પણ તે વોર્ડરોબ સામે ઊભી રહીને શું પહેરવું એવું વિચાર કરે છે. તમામ અવરોધો વચ્ચે પણ હિંમત ન હારવાના સિદ્ધાંતમાં ચૌધરી પરિવાર માને છે. તેમની દીકરી આયશા તરીકે ઝાયરા વસીમ અને દીકરા તરીકે રોહિત સરાફ જોવા મળશે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer