નવા વાહનમાં જાળવી શકાશે જૂનો નંબર

મોબાઇલ જેમ જ વાહન નંબર પોર્ટેબિલિટીની કેન્દ્ર સરકારની તૈયારી
નવી દિલ્હી, તા. 8 : હવે નવું વાહન લો તો પણ જૂની ગાડીનો મનપસંદ નંબર રાખી શકાશે. કેન્દ્ર સરકાર મોબાઇલની જેમ જ વાહનના નંબરની પોર્ટેબિલિટીની તૈયારી કરી રહી છે. મળતી વિગત અનુસાર વાહન નંબર પોર્ટેબિલિટી યોજના ટૂંક સમયમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જો વાહનના માલિક પોતાનું વાહન વેચે અથવા ભંગારમાં કાઢે તો નવા વાહન માટે તે જ જૂનો નંબર રાખી શકે છે. હાલ આ યોજનાની પ્રાયોગિક શરૂઆત દિલ્હી અને નોઇડાથી કરવામાં આવી છે. નવા વાહન પર જૂના નંબર મેળવવા સાથે જૂના વાહનને નવો રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે.
સૂત્રો અનુસાર આ યોજના મોબાઇલ પોર્ટેબિલિટી જેવી જ રહેશે જેમાં ગ્રાહક પોતાનો મોબાઇલ નંબર એ જ રાખીને સર્વિસ પ્રોવાઇડર બદલી શકે છે. અહેવાલો અનુસાર સ્કૂટર અને બાઇક માટેના નંબર કાર માટે અને જૂની કારના નંબર ટુ વ્હીલર માટે પોર્ટેબલ કરી શકાશે.
આ ઉપરાંત એક રાજ્યથી બીજા રાજ્યોમાં સ્થળાંતરિત થતા લોકોને રાહત આપતાં કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રાલય નવા નિયમો લાવી શકે છે જે અંતર્ગત વાહન જ્યારે બીજા રાજ્યમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય ત્યારે તેને જે-તે રાજ્યના આરટીઓ પાસે ફરીથી નોંધણી કરાવવવું પડે છે. જેથી લોકો ઘણાખરા કિસ્સામાં આ રજિસ્ટ્રેશન કરાવતા નથી અને પછી દંડ ભરવો પડે છે ત્યારે આ નિયમમાં રાહત મળતાં કોઇપણ બીજા આરટીઓમાં રજિસ્ટ્રેશન થયેલું વાહન અન્ય રાજ્યમાં પણ ઉપયોગમાં લઇ શકાશે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer