પાંચ વર્ષમાં સરકારને પાડવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી ઉદ્ધવ

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી વધુ સત્તા વિના તેમનો પક્ષ સરકારમાં છે, પરંતુ તેમણે ક્યારેય સરકારને પાડવા માટે કાવતરું ઘડયું નથી કે વિશ્વાસઘાત કર્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે યુતિમાં બન્ને પક્ષોએ સાવધાની રાખવી જોઈએ અને જો બિનજરૂરી રીતે ઝડપ વધારવામાં આવે તો તેનાથી અકસ્માત થતો હોય છે.
સામનામાંના પોતાના ઈન્ટરવ્યૂના બીજા ભાગમાં ઠાકરેએ આરે કોલોનીમાં વૃક્ષો કાપવા સામે પોતાના પક્ષના વિરોધ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ મેટ્રો કારશેડની વિરુદ્ધમાં નથી, પરંતુ તેના સ્થળની વિરુદ્ધમાં છે.
`લોકો માટે હાડમારી ઊભી કરીને વિકાસ કરવો ન જોઈએ. સેના નાગરિકોની સમસ્યાઓને લગતા પ્રશ્નો ઉઠાવતી રહેશે', એમ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.
`સરકાર જ્યારે તેની સિદ્ધિઓ પ્રસિદ્ધ કરશે ત્યારે જમીની સ્તરે કામ બોલશે. હું સરકાર સમક્ષ લોકોની સમસ્યાઓ પર પ્રકાશ પાડતો રહીશ', એમ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.
`યુતિને અકબંધ રાખવા આપણે આપણા મગજ પર કાબૂ રાખવો જોઈએ. જો તમે બિનજરૂરી રીતે ગતિને વધારો તો અકસ્માત થાય,' એમ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.
`મેં રાજ્યના ભલા માટે સમાધાન કર્યું છે. અમે અગાઉના અનુભવના આધારે આગામી પાંચ વર્ષમાં સુવહીવટ આપવાનો વિશ્વાસ ધરાવીએ છીએ,' એમ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.
નનાર રિફાઈનરી પ્રોજેક્ટ સામે સેનાના વિરોધ વિશે પૂછવામાં આવતાં ઠાકરેએ જણાવ્યું હતું કે તેમના પક્ષે સ્થાનિક લોકોને ટેકો આપ્યો હતો. આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં મારો કે પક્ષનો અંગત ફાયદો નહોતો.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer