લખપતિ ભિખારીની રોકડ પર દાવો કરવા પાંચ સંબંધી મુંબઈ આવ્યા

જયપુર/નવી મુંબઈ, તા. 8 : ગોવંડીના 82 વર્ષના ભિખારી બંદીચંદ આઝાદના વાશી ખાતે રેલવે અકસ્માતમાં થયેલા મૃત્યુના ત્રણ દિવસ બાદ તેના પુત્ર અને ભાઈ હોવાનો દાવો કરીને રાજસ્થાનના એક ગામના ચાર લોકોએ મુંબઈ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મુંબઈ પહોંચી ગયા. તેનો એક પુત્ર કે જે હાલ ગોવામાં છે તે પણ મુંબઈ આવી ગયો છે.
આઝાદની ઝૂંપડીમાંથી 1.75 લાખના સિક્કા અને 8.77 લાખની ફિક્સ્ડ ડિપોઝિટોની રસીદો મળી હતી. આઝાદના બે પુત્રો તેની ગોવંડી ખાતેની ઝૂંપડીમાં સાથે રહેતા હતા પરંતુ ત્યારબાદ સારા જીવનની આશામાં અન્યત્ર ચાલ્યા ગયા હતા. નાનો પુત્ર એક કામ માટે હાલ ગોવામાં છે. આઝાદે તેની ફિક્સ્ડ ડિપોઝિટો માટે માત્ર મોટા પુત્રનું જ નોમિનેશન ર્ક્યું છે.
શુક્રવારે ગોવંડી નજીક રેલવે પાટા ક્રોસ કરતી વખતે આઝાદનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજસ્થાનમાં તેના ગામમાં તેના મૃત્યુના સમાચાર જેવા પહોંચ્યા કે તરત જ તેના એક પુત્ર અને તેના ભાઈ હોવાનો દાવો કરનારા ત્રણ જણે રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. 
રેલવે પોલીસે તેની તપાસમાં મૃતકના રાજસ્થાનના એક ગામનું સરનામું મેળવ્યું હતું. આઝાદ પેનકાર્ડ અને આધાર કાર્ડ ધરાવતો હતો તેમ જ તેની પાસે વરિષ્ઠ નાગરિકનું સર્ટિફિકેટ પણ હતું. મુંબઈ પોલીસે પાંચ જણ આઝાદના સંબંધી હોવાના કરેલા દાવા પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત ર્ક્યુ હતું. આઝાદનો પુત્ર હોવાનો દાવો કરનારા એક સુખદેવ નામના શખસનો અમને ફોન આવ્યો હતો. મુંબઈના અન્ય એક સનવાર માલ નામના શખસે પણ તે આઝાદનો પુત્ર છે એવો દાવો ર્ક્યો હતો.
આઝાદના પાડોશીઓએ જણાવ્યું હતું કે, તેની મુલાકાત કોઈ લેતું ન હોવાથી અમે એવું માનતા હતા કે તેનો કોઈ સંબંધી નથી.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer