49 હસ્તીઓ સામેના કેસ શશી થરૂર, કમલ હાસને નોંધાવ્યો તીવ્ર વિરોધ

થરૂરનો પીએમને પત્ર, કમલે માગી સુપ્રીમની મધ્યસ્થી
નવી દિલ્હી તા. 8: મોબ લિન્ચિંગના વધતા બનાવો અંગે ચિંતિત સૂરમાં અવાજ ઉઠાવનાર 49 જાણીતા નાગરિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા સામે જોરદાર વિરોધ ઉઠી રહ્યો છે, આ મામલે કોંગ્રેસી સાંસદ શશી થરુર અને અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને ય તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કમલ હાસને આ મામલે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી વાંછી છે. 
થરુરે પીએમ નરેન્દ્ર મોદીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે `વડા પ્રધાનની આલોચના કરનારા રાષ્ટ્રવિરોધી ન ગણાવા જોઈએ. ભિન્નમતને આવકારતું જાહેર વલણલેવા મોદીને વિનંતી કરવા સાથે થરુરે અનુરોધ કર્યો છે કે તમે યા તમારી સરકાર સાથે અસહમતિ હોય તો ય અભિવ્યકિત સ્વાતંત્રય જાળવવાની પ્રતિબદ્ધતા અંગે તમે રાષ્ટ્રને ધરપત આપો. બ્રિટીશ રાજ તળે ભિન્ન સૂર કાઢનારાઓએ હિંમત દાખવી ન હોત તો સ્વતંત્ર રાષ્ટ્રનો ઈતિહાસ જુદો જ હોત. ઝડપભેર ફેલાતી બીમારી બનેલા મોબ લિન્ચિંગના બનાવો અંગે આ નાગરિકોએ તે બાબત તમારા ધ્યાન પર લાવવાનું ઉચિત કામ કર્યુ છે. ભિન્નમત વિના લોકશાહી નથી.'
ઉકત 49 હસ્તીઓ સામે રાજદ્રોહના આરોપો રદ કરવાને સુપ્રીમ કોર્ટ દરમિયાનગીરી કરે તેવી ઝંખના વ્યકત કરતા કમલ હાસને જણાવ્યુ છે કે વડા પ્રધાન સંવાદિતાભર્યા  ભારતની ખેવના રાખે છે, સંસદમાંનુ તેમનુ નિવેદન તેને સમર્થન આપે છે શું સરકાર અને તેના કાયદાએ શબ્દાર્થ અને ભાવાર્થથી તેને અનુસરવાના ન હોય ?
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer