પંજાબ સીમાએ પાંચ ડ્રોન દેખાયાં

એક ભારતીય સીમામાં ઘૂસતાં બીએસએફ ઍલર્ટ
ફિરોઝપુર, તા. 8 : પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં એકવાર ફરી ડ્રોન મોકલવાની કોશિશ?થઇ રહી છે. પંજાબના ફિરોઝપુરમાં હુસેનવાલા સરહદ પર સોમવારે અત્રે બીએસએફના જવાનોએ પાકિસ્તાન તરફથી પાંચવાર ડ્રોનને ઊડતું જોયું હતું. એ પછી ચોક્કસાઇ વધારી દેવામાં આવી છે અને બીએસએફ એલર્ટ પર છે.
સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ પંજાબ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. આ પછી સ્થાનિક પોલીસ મામલાની તપાસ માટે જોડાઇ ગઇ છે. જાણકારી મુજબ ભારતીય સરહદ પર આ પાકિસ્તાની ડ્રોન સોમવારે રાત્રે લગભગ પાંચ વખત ઊડતું જોવામાં આવ્યું છે. માધ્યમોના હેવાલ મુજબ એકવાર આ ડ્રોન ભારતીય સરહદમાં પણ પ્રવેશ કરી ગયું હતું. આ પછી બીએસએફના જવાનોએ પંજાબ પોલીસને આની જાણકારી આપી હતી. પંજાબ પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ મંગળવારે સવારથી જ સર્ચ ઓપરેશનમાં લાગી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઇ હુમલો કરીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકવાદી તાલીમ સ્થાનને નષ્ટ કરી નાખ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની કડકાઇ પછી પાકિસ્તાન હવે પોતાના પાલતુ આતંકવાદીઓને હથિયારો આપવા માટે નાનકડા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. 
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer