મોદી સરકારે ઓબીસી કમિશનથી વંચિત અને પછાત વર્ગના

મોદી સરકારે ઓબીસી કમિશનથી વંચિત અને પછાત વર્ગના
પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અમિત શાહ
બીડ, તા. 8 (પીટીઆઇ) : અન્ય પછાત વર્ગ પંચ (ઓબીસી કમિશન)ની નિમણૂક કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંચિત અને પછાત વર્ગના લોકોના મદ્દાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આજે જણાવ્યું હતું. છેલ્લાં 70 વર્ષમાં અગાઉની કોઇ સરકારે આ કામ નથી કર્યું એવો દાવો પણ શાહે બીડ જિલ્લાના સાવરગાંવમાં આયોજિત દશેરા રેલીમાં કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રથમવાર રાજ્યમાં સભાને સંબોધતા અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ નંબર 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને પણ બિરદાવ્યો હતો. 
શાહે કહ્યું હતું કે છેલ્લાં 70 વર્ષમાં ભારતની અગાઉની કોઇ સરકારે અન્ય પછાત વર્ગના લોકો માટે કંઇ જ નથી કર્યું, પરંતુ મોદી સરકારે ઓબીસી કમિશન નીમીને પછાત અને વંચિત વર્ગની સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 
370મી કલમ હટાવવા વિશે શાહે કહ્યું હતું કે આ નિર્ણયથી મોદીએ જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથે એકીકરણ કરવાનું કાર્ય કર્યું છે. દેશની જનતાએ આ વર્ષે મોદી સરકારને સતત બીજી વાર વધુ બહુમતીથી ચૂંટી કાઢી એ ભાજપ સરકારની છેલ્લાં પાંચ વર્ષની જનતા તરફી કામગીરી પર મારેલી મ્હોર છે. બીજી મુદતમાં સત્તા પર આવ્યાના ત્રણ મહિનામાં જ કાશ્મીરને ભારત સાથે સંપૂર્ણ રીતે જોડવાનું કાર્ય કર્યા બાદ હવે લોકો વિપક્ષોને પૂછી રહ્યા છે કે તમે સત્તા પર હતા ત્યારે આ કામ કેમ ન કરી શક્યા.
મહારાષ્ટ્રના પ્રધાન પંકજા મુંડે દ્વારા આયોજિત દશેરા રેલીમાં શાહે કેન્દ્ર સરકારે હાથ ધરેલી વિકાસ યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ370 હટાવાઇ એ માટે સરકારનો આભાર વ્યક્ત કરવા મુંડેએ મોદી સરકારના ગૃહ પ્રધાન અમિત શાહને આવકારવા માટે બંદુકના હવામાં 370 રાઉન્ડ ફાયર કરાવ્યા હતા અને 370 જેટલાં ધ્વજ લહેરાવ્યા હતા. 
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer