હાઉસિંગ સોસાયટીઓમાં પણ પેઇડ પાર્કિંગની સુવિધા પાલિકા ઊભી કરવા માગે છે

હાઉસિંગ સોસાયટીઓમાં પણ પેઇડ પાર્કિંગની સુવિધા પાલિકા ઊભી કરવા માગે છે
મુંબઈ, તા. 8 : મુંબઈમાં વાહનો ઊભાં રાખવાની જગ્યાની ભારે ખેંચ છે તે સમસ્યામાંથી માર્ગ કાઢવા માટે મુંબઈ પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓના પરિસરમાં સશુલ્ક પાર્કિંગની સુવિધા શરૂ કરવાની યોજના ઘડી છે.
ખાનગી હાઉસિંગ સોસાયટીઓના પરિસરમાં વાહનો ઊભાં રાખવાની જગ્યા આખો દિવસ ખાલી હોય છે. આ જગ્યા બહારનાં વાહનોને ઊભાં રાખવા ઉપયોગમાં લઈ શકાય છે. તે જગ્યા ઉપર બહારનાં વાહનો માટે સશુલ્ક પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ થઈ શકે એવી ગણતરી પાલિકાની છે. પાલિકાએ સોસાયટીઓને અપીલ કરી છે. તેના લીધે સોસાયટીઓને આવક મળશે એટલું જ નહીં પણ બહારનાં વાહનોને પોતાના કમ્પાઉન્ડમાં પ્રવેશ આપતાં સલામતીનો પ્રશ્ન ઊભો થાય એવી સંભાવના છે.
અનેકવાર બહારથી આવતી મોટરકારને ઊભી રાખવાની જગ્યા નહીં હોવાથી તેના લીધે વાહનોને રસ્તાની બાજુમાં ઊભાં રાખવામાં આવે છે. તેથી રસ્તા ઉપર વાહનોની અવરજવરમાં અવરોધ થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કેટલીક વાર તેઓને દંડ પણ ચૂકવવો પડે છે.
આ સમસ્યામાંથી માર્ગ કાઢવા પાલિકાએ ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કિંગની સુવિધા ઊભી કરવાનો પ્ર્રસ્તાવ તૈયાર કર્યો છે. તેના લીધે સોસાયટીઓને પણ વધારાની આવક મળી શકશે. તેના માટે સોસાયટીઓએ પાલિકા પાસે નોંધણી કરાવવી પડશે. તેના આધારે પાલિકા `પાર્કિંગનો પુલ' તૈયાર કરવામાં આવશે. બાદમાં પાલિકા તેની વિગતો ` MCGM 24x7'એ ઍપ ઉપર ઉપલબ્ધ કરાવશે. તેના કારણે વાહનચાલકને પાર્કિંગ માટે ઉપલબ્ધ જગ્યા શોધવાનું સરળ બનશે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer