બુલિયનના બે વેપારીઓની છેતરપિંડીના આરોપસર ધરપકડ

મુંબઈ, તા. 9 : ઝવેરી બજારમાં બિઝનેસ કરતા બુલિયનના બે વેપારીઓની અન્ય બીજા એક વેપારી સાથે રૂા. 1.65 કરોડની છેતરપિંડી કરવાના આરોપસર સોમવારે ધરપકડ કરાઈ હતી.
લોકમાન્ય તિલક માર્ગ પોલીસે હસમુખ લોઢા (44) અને તેના ભાઈ મનોજ લોઢા (33)ની ધરપકડ કરી હતી. આમ આ બંને સામે છેતરપિંડી કરવાનો બીજો કેસ બન્યો છે. આર્થિક મંદીની બુલિયનના વેપારીઓ પર વિશેષ અસર જણાઈ રહી છે અને વધુ જ્વેલર્સ આનો ભોગ બને એ 
શક્ય છે.
હાલનો નવો કેસ પાટિલ ઍન્ડ સન્સ જ્વેલર દ્વારા કરાયેલી ફરિયાદના સંબંધિત રહ્યો છે. તેઓ 10થી વધુ શાખાઓ ધરાવે છે જ્યાંથી તેઓ મળતા અૉર્ડરો મુજબ જ્વેલર્સોને સોનાના ઝવેરાત સપ્લાય કરે છે.
હસમુખ લોઢા સોનાના ઝવેરાત પાટિલ ઍન્ડ સન્સ પાસેથી વીસ વર્ષથી ખરીદી કરે છે અને એકબીજા પર વિશ્વાસ ધરાવે છે. માર્ચમાં હસમુખે રૂા. 1.85 કરોડની કિંમતના પાંચ કિલો સોનાના જ્વેલરીનો અૉર્ડર આપ્યો હતો.
પાટિલ સાથે વેપાર વહેવાર કરતા લોઢા બ્રધર્સે ફરિયાદીઓને કહ્યું હતું કે તે બીજા દિવસે તેના નાણાં ચૂકવશે, પણ તેઓ પખવાડિયા સુધી તેની ચુકવણી કરી શક્યા નહીં. આથી ફરિયાદીને જાણવા મળ્યું કે લોઢાએ દુકાન બંધ કરી દીધી છે અને તેઓના મોબાઈલ ફોન પણ `સ્વીચ અૉફ્ફ' જણાયાં છે, એમ એલટી માર્ગ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ભાઈઓ આ પ્રકારના છેતરપિંડીના ગુના બદલ બે મહિના પહેલા પકડાયાં હતા અને ત્યારે તેઓની જામીન મળી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે અન્ય બીજા સોનાના વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે કે નહીં, આમ સધ્ધર બિઝનેસમેન સાથે છેતરપિંડીના આરોપ મુકાતા પોલીસ આશ્ચર્ય અનુભવી રહી છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer