નિફ્ટીએ 12000નું વિક્રમી સ્તર પાર કર્યું

નિફ્ટીએ 12000નું વિક્રમી સ્તર પાર કર્યું
રિયલ એસ્ટેટને મળેલા પૅકેજથી
રિયલ્ટી, મેટલ અને ખાનગી બૅન્ક શૅર્સમાં તેજીનો કરન્ટ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને રૂા. 25,000 કરોડની રાહત આપવાનું જાહેર કરવાથી શૅરબજારમાં તેજીનો નવો કરંટ આજે જોવાયો હતો. એનએસઈમાં નિફ્ટી વધુ 50 પૉઇન્ટ વધીને પ્રથમવાર 12016ના વિક્રમી સ્તરે બંધ આવ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ વધુ 184 પૉઇન્ટના નોંધપાત્ર ઉછાળા સાથે સતત ત્રીજો ઊંચાઈનો વિક્રમ સર્જી 40654ના લેવલે બંધ રહ્યો હતો.
આજના સુધારાને આગળ ધપાવનાર શૅરમાં અગ્રભાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, આઈટીસી, ઇન્ફોસીસ અને એચડીએફસી બૅન્કના શૅરો હતા તેમાં નવી ખરીદીથી તેજી જોવાઈ હતી. સનફાર્મા 3 ટકા વધ્યો હતો. કંપનીનો ત્રિમાસિક નફો રૂા. 1064 કરોડ આવ્યો છે. અગાઉના વર્ષે કંપનીને રૂા. 270 કરોડની ખોટ હતી. યસ બૅન્કનું રેટિંગ ડાઉનગ્રેડ થવાને લીધે શૅર 3 ટકા દબાણમાં આવ્યો હતો.
વૈશ્વિક બજારોનો તેજીનો સથવારો મળવાને લીધે સ્થાનિક બજારમાં નવી લેવાલી આવતી જણાઈ છે. અમેરિકા-ચીન વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કાને મંજૂરી મળી છે જ્યારે આશિયાન દેશો સાથેના કરાર આરઈસીપીથી અલગ રહેવાના ભારતના નિર્ણયથી સ્થાનિક નાના-મધ્યમ ઉદ્યોગને લાભ થવાની સંભાવનાથી બજારમાં નવી ખરીદી નીકળી હોવાનું અનુમાન છે. જેથી નાની મૂડી ધરાવતા બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં 102 પૉઇન્ટ અને સ્મોલકેપમાં 73 પૉઇન્ટનો સુધારો નોંધાયો હતો. આજે નિફ્ટીના અગ્રણી શૅરમાંથી 30 સુધરવા સાથે 20 ઘટયા હતા. આજે અૉટો શૅરોમાં વેચવાલી સામે મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ઊંચે ક્વોટ થયો હતો. પીએસયુ બૅન્કોમાં ઘટાડા સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રના શૅરમાં સુધારો થયો હતો. વોલિટાલિટી ઇન્ડેક્સ ચાર ટકા દબાણમાં હતો.
આજે સુધરવામાં અગ્રભાગે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ રૂા. 19, ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 8, સનફાર્મા રૂા. 13, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 40, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 5, આઈટીસી રૂા. 3, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 24, એચડીએફસી રૂા. 30, અલ્ટ્રાટેક રૂા. 52, ટાઇટન રૂા. 38, કોટક બૅન્ક રૂા. 14, બજાજ ફિનસર્વ રૂા. 55, ઇન્ફોસીસ રૂા. 8, એચડીએફસી બૅન્કમાં રૂા. 5નો સુધારો નોંધાયો હતો. જેની સામે અૉટો શૅરમાં ઘટાડો દર્શાવતા મારુતિ રૂા. 19, આયશર મોટર્સ (બીએસઈ ખાતે) રૂા. 199, તાતા મોટરમાં રૂા. 3નો ઘટાડો મુખ્ય હતો. બીપીસીએલ રૂા. 12, એચયુએલ રૂા. 40 ઘટયા હતા.
સ્થાનિક શૅરબજારમાં ટૂંકાગાળા માટે 11800 અને 11850નો સપોર્ટ ઝોન અતિ મહત્ત્વપૂર્ણ બને છે. તેજીના આગળ વધવા માટે એક કરેકશન જરૂરી છે, એમ બજાર વર્તુળો માને છે. ટેકિનકલી ઉપરમાં 12050 મુખ્ય અવરોધરૂપ સપાટી બને છે.
વૈશ્વિક-એશિયાનાં બજાર
ચીન દ્વારા અમેરિકા સાથેના વેપાર કરારના પ્રથમ તબક્કાને મંજૂરીના સંકેતથી યુરોપનાં બજારમાં તેજી આગળ વધી હતી. ઈ મિનિ ફ્યુચર એસઍન્ડપી 500 વધુ 0.5 ટકા વધ્યો હતો. જોકે, અગાઉની ટોચેથી એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ માત્ર 0.2 ટકા ઘટાડે રહ્યો હતો. જપાનમાં નિક્કી સ્થિર હતો. શાંઘાઈમાં બ્લુચીપ ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer