ડી બીયર્સે રફ હીરાના ભાવ પાંચ ટકા ઘટાડયા

ડી બીયર્સે રફ હીરાના ભાવ પાંચ ટકા ઘટાડયા
કટ-પૉલિશ ઉદ્યોગ અને વેપારીઓને લાભ થશે
મુંબઈ, તા. 7 : માગમાં ઘટાડો અને અર્થતંત્રમાં મંદીને લીધે ડી બીયર્સે નવેમ્બર ઓકશનમાં કટ રફ હીરાના ભાવ પાંચ ટકા ઘટાડયા છે. ડી બીયર્સ વિશ્વની સૌથી મોટી હીરા સપ્લાયર કંપની છે. ઘણા વર્ષો બાદ તેણે ઓકશનમાં ભાવ ઘટાડયા છે.
ડી બીયર્સના આ નિર્ણયને લીધે ભારતના કટ અને પૉલિશ્ડ ઉદ્યોગ ઉપર સાનુકૂળ અસર પડશે જે પહેલાંથી જ ક્રેડિટની અછતથી પિડાઈ રહી છે. અમુક મોટા ખેલાડીઓ ડિફોલ્ટ બનતા બૅન્કો આ ઉદ્યોગને ધિરાણ આપવામાં આનાકાની કરી રહી હતી પણ હવે ટ્રેડર્સના નફાનું માર્જિન વધશે તેમ જ કટ અને પૉલિશ ઉદ્યોગને પણ લાભ થશે.
ડી બીયર્સના ડેટા દર્શાવે છે કે હીરા ઉદ્યોગની રિટેલ માગ અમેરિકાના બજારમાં ગયા વર્ષે 2.4 ટકા વધી હતી. જે કુલ હીરાના વેચાણમાં અડધા જેટલો ભાગ અમેરિકાનો છે, જ્યાં 4.5 ટકાની વૃદ્ધિ થઈ હતી. રિટેલ બજારમાં મજબૂત માગ હતી, જ્યારે પૉલિશર્સ અને ટ્રેડર્સ પાસેથી હોલસેલ માગ છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઓછી હતી, જેનું મુખ્ય કારણ વધુ પડતી સપ્લાય અને નાણાભીડ છે.
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કુમારે કહ્યું કે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડવૉર શાંત પડવાની આશાએ વૈશ્વિક અર્થતંત્રમાં ગતિ આવી હતી અને ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સુધરતા હીરાનું વેચાણ વધ્યું હતું જોકે, હાલમાં સ્પોટ ડાયમંડ માર્કેટ નીચું છે અને દિવાળી પછી સુધર્યું નથી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઝવેરાતનું વેચાણ 16 ટકા ઘટીને 461 ટન થયું હતું.
વેચાણમાં ઘટાડો થતા ભારતમાં યુવા શ્રીમંતો દ્વારા રુબી, સફાયર, એમરાલ્ડ અને એકવામરીન્સની ખરીદી થઈ રહી છે. જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા દર્શાવે છે કે, રફ જેમસ્ટોનની આયાત વધીને 2017-18માં 90.6 કરોડ ડૉલર થઈ છે, જે 2008-09માં 10.6 કરોડ ડૉલર હતી. એપ્રિલ-અૉગસ્ટ 2019માં રંગીન જેમસ્ટોનની આયાત 150 ટકા વધી હતી. રફ હીરાની આયાત મૂલ્યની દૃષ્ટિએ વધી હતી, પરંતુ પ્રમાણના હિસાબે 22.9 ટકા ઘટી હતી. શ્રીલંકા, મ્યાનમાર અને યુએસ તેમ જ ઓસ્ટ્રેલિયાથી જેમ્સની આયાત કરવામાં આવે છે.
રુબીની આયાત મ્યાનમાર અને મોઝામ્બીકમાંથી થાય છે. કોલમ્બીઆ, બ્રાઝીલ અને ઝામ્બીઆથી એમરાલ્ડની આયાત થાય છે. સફાયરની આયાત શ્રીલંકા, મેડેગાસ્કર, તાન્ઝાનિયા, યુએસ, અૉસ્ટ્રેલિયા, ચીન અને પશ્ચિમી એશિયાના દેશોથી કરાય છે.
ભારત ડાયમન્ડ બુઅર્સ લેબ-ઉત્પાદિત હીરાના વેપારની છૂટ આપે તેવી શક્યતા
વિશ્વમાં હીરાનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર ભારત ડાયમન્ડ બુઅર્સ તેના પ્લેટફોર્મ પર લેબ-ઉત્પાદિત હીરાનો વેપાર કરવાની પરવાનગી ત્રણ મહિનામાં આપવા વિચારી રહ્યું છે. 2010માં દક્ષિણ મુંબઈના ઓપેરા હાઉસથી હીરાના વેપારનું સ્થળાંતર કર્યા પછી બુઅર્સે લેબ-ઉત્પાદિત હીરાની આયાત, નિકાસ, વેચાણ અને ખરીદી પર નિયંત્રણ મૂક્યા હતા.
પણ બુઅર્સે તેના સભ્યો તથા વેપાર-વર્તુળો દ્વારા સતત માગણીને લક્ષમાં રાખીને લેબ-ઉત્પાદિત હીરાના વેપાર માટે માર્ગદર્શિકા ઘડી કાઢવા નેચરલ ડાયમન્ડ મોનિટરિંગ કમિટી (એનડીએમસી) સ્થાપવામાં આવી હતી. કમિટી ટૂંક સમયમાં તેના અહેવાલ સુપરત કરશે. હાલ લેબ-ઉત્પાદિત હીરાનો બજારુ હિસ્સો 2-3 ટકા અંદાજાય છે અને ડિ'બિયર્સ જેવી અગ્રણ્ય કંપની તેનું ઉત્પાદન વધારવા આયોજન કરી રહી છે. 20 લાખ સ્કે. ફૂટમાં પથરાયેલ બુઅર્સ હાઉસમાં લગભગ 2500 નાના-મોટા હીરાના વેપારીઓ ઉપરાંત કસ્ટમ્સ હાઉસ, બૅન્કો અને અન્ય સેવાઓ આપતી કંપનીઓ-સંસ્થાઓ તેમાં સમાવિષ્ટ છે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer