સુરતમાં કારતકમાં અષાઢી માહોલ : પૂરો દિવસ ઝરમર વરસાદ વરસ્યો

ડાંગરના પાકને વ્યાપક નુકસાન : પવન ફૂંકાતાં લગ્નના મંડપો ધરાશાયી થયા 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 7 : મહા વાવાઝોડાની અસરનાં પગલે આજે વહેલી સવારે ચાર કલાકથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો થયો હતો. વહેલી સવારથી મોડી રાત સુધી શહેરમાં ધીમીધારે વરસાદ પડયો હતો. કારતક માસમાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ સમગ્ર દિવસ વરસાદ પડતાં ખેતરમાં ઊભા પાકને વ્યાપાક નુકસાન પહોંચ્યું છે. તેમ જ શહેરમાં કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ધરાશાયી થયાના બનાવો બન્યા છે. 
વહેલી સવારે ચાર કલાકે શરૂ થયેલાં વરસાદનાં કારણે સાંજ સુધીમાં ઉધનાનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના બની છે. લિંબાયત વિસ્તારમાં ભારે પવનનાં કારણે લગ્નનો મંડપ ધરાશાયી થયો હતો. જોકે, લગ્ન મંડપ ધરાશાયી થતાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
સવારથી શરૂ થયેલા વરસાદના કારણે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને વળતર આપવાની વાત કરી છે. પાછલાં પંદર દિવસમાં ત્રણ વખત માવઠું થતાં પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તે જોતાં ડાંગરનાં ઉત્પાદનને મોટી અસર પહોંચી શકે છે. ડાંગરનાં 40 ટકા પાકને નુકસાન પહોંચ્યાનાં અહેવાલ છે. 
જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. આગામી એક સપ્તાહમાં સર્વે કરાયા બાદ નુકસાનનો ચોક્કસ આંક પ્રકાશમાં આવશે. સાંજે છ કલાક સુધીમાં ઓલપાડમાં 11 મિમી, સુરતમાં 10 મિમી, ચોર્યાસીમાં 8 મિમી, કામરેજમાં 3 મિમી, નવસારીમાં 11 મિમી વરસાદ નોંધાયો છે.
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer