ભાજપે સત્તા માટે દાવો ન કર્યો

સુધીર મુનગંટ્ટીવાર કહે છે, પક્ષને લઘુમતી સરકાર નથી બનાવવી
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં અમારો પક્ષ લઘુમતી સરકાર રચવાની તરફેણમાં નથી. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો નથી, એમ મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે ગુરુવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા પછી નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ વિશે કોઈ શંકા નથી. તેમનું નેતૃત્વ આખા મહારાષ્ટ્રમાં સ્વીકાર્ય છે. ફડણવીસ માત્ર ભાજપના નેતા નથી, પરંતુ તેમને શિવસેનાના મુખ્ય પ્રધાન તરીકે જોવા જોઈએ.
કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બીરાજી શકે છે એવા અહેવાલોને રદિયો આપતાં મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બિરાજવાનું સપનું તેમણે ક્યારેય જોયું નથી. 
મહારાષ્ટ્ર હાલની વિધાનસભાની મુદત નવમી નવેમ્બરે પૂરી થવાની છે. તેથી અમે રાજ્યપાલને મળીને સરકાર રચવા થઈ રહેલા વિલંબને પગલે કાનૂની પાસાની ચર્ચા કરી હતી. હવે અમે અમારા નેતાઓ સાથે વાત કરીને હવે પછીનો વ્યૂહ નક્કી કરશું, એમ મુનગંટ્ટીવારે ઉમેર્યું હતું.
મુનગંટ્ટીવારની સાથે રાજ્યપાલને મળનારા આગેવાનોમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ અને તબીબી શિક્ષણપ્રધાન ગિરીશ મહાજનનો સમાવેશ થાય છે.
શિવસેનાના વિધાનસભ્ય સુનીલ પ્રભુએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં વિલંબને પગલે બધા વિધાનસભ્યોને એક સાથે રાખવા જરૂરી છે, તેથી તેઓને રંગશારદામાં રાખવા કે કેમ એ વિશે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે.
મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણી અને મુંબઈના પોલીસ આયુક્ત સંજય બર્વે પણ આજે રાજ્યપાલને મળ્યા હતા.
મહારાષ્ટ્રનાં વિધાનગૃહોના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. અનંત કળસેએ જણાવ્યું હતું કે નવી સરકાર રચવા કોઈ પક્ષ દાવો કરે નહીં તો કયાં પગલાં ભરવાં તે નક્કી કરવાની જવાબદારી રાજ્યપાલની છે. સહુથી વધુ બેઠકો મેળવનાર ભાજપ સરકાર રચવાનો દાવો કરે નહીં અથવા તે માટે અશક્તિ દર્શાવે તે રાજ્યપાલ બીજા ક્રમાંકે સહુથી વધુ બેઠકો જીતનાર પક્ષને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે. 
રાજ્યપાલે આ બધી પ્રક્રિયામાંથી પાર થવું પડશે. વિધાનસભાનું પ્રથમ અધિવેશન ક્યારે યોજવું તેનો નિર્ણય નવી સરકારના પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં લેવાશે. અધિવેશન યોજવાની જવાબદારી સરકારની છે. 
ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો નોટિફાય કર્યા છે. તેથી બંધારણીય જોગવાઈ અનુસાર તે અસ્તિત્વમાં આવશે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ લે નહીં ત્યાં સુધી અધિવેશન યોજી નહીં શકાય, એમ ડૉ. કળસેએ ઉમેર્યું હતું.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer