ભારતના નકશા સામે નેપાળનો વિરોધ

કાલાપાની અમારો અવિભાજ્ય ભાગ હોવાનો દાવો
નવી દિલ્હી, તા. 7 : ભારત સરકારે જારી કરેલા દેશના નવા નકશા સામે પાકિસ્તાન બાદ અન્ય પાડોશી દેશ નેપાળે પણ વિરોધ ઊઠાવ્યો છે.
નેપાળના વિદેશમંત્રાલયે ભારતના નવા રાજકીય માનચિત્રમાં કાલાપાનીને ભારતીય ભાગ તરીકે બતાવવા સામે વાંધો ઊઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને કાઠમંડુ વચ્ચે સીમાવિવાદ પર વાત ચાલી રહી છે.
અમારી સરકાર સ્પષ્ટ વલણ ધરાવે છે કે, કાલાપાની નેપાળનો અભિન્ન ભાગ છે. અમે નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ તેવું મંત્રાલયે ઉમેર્યું હતું.
નેપાળી વિદેશ મંત્રાલય દ્વારા જારી પ્રેસ યાદીમાં જણાવાયું છે કે, ભારત સાથે સીમાવિવાદનું સમાધાન લાવવાની જવાબદારી વિદેશ મંત્રીઓના સ્તરની સંયુક્ત સમિતિએ બંને દેશોના વિદેશ સચિવોને આપી છે.
સીમાવિવાદ સંવાદ, સહમતીથી ઉકેલાવો જોઈએ. કોઈપણ પ્રકારની એકતરફી કાર્યવાહી નેપાળને સ્વીકાર્ય નથી તેવું મંત્રાલય કહે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે, પરંતુ સીમા જેવા સંવેદશીલ મુદ્દે ભારતે નેપાળની ચિંતાઓ ધ્યાને લેવી પડશે તેવું જાણકારો કહે છે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer