અયોધ્યા ચુકાદા પહેલાં કેન્દ્રના ગૃહ ખાતાએ ઉત્તર પ્રદેશ સરકાર માટે સુરક્ષા નિર્દેશ બહાર પાડયા

નવી દિલ્હી, તા.7: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદના મામલામાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો જલ્દી આવી જવાની ધારણા છે. આથી કેન્દ્રના ગૃહખાતાએ ઉત્તરપ્રદેશ સરકારને તમામ સુરક્ષા તૈયારીઓને સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કર્યો છે. કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા અને કોઇપણ અપ્રિય ઘટનાને રોકવા માટે અગ્રતાના ધોરણે અયોધ્યાને કોઇ  કિલ્લાની જેમ બદલવામાં આવશે.
આતંકીઓના જોખમ અંગે જાસૂસી સંસ્થાઓનો હવાલો આપતા ગૃહખાતાએ કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાના આદેશ ઉપર ગયા અઠવાડિયે ઇસ્યુ કરેલ એક પરિપત્રના માધ્યમથી યુપી સરકારને સાવચેત કરી છે.
યુપી સરકારને પોલીસ દળની અધિકતમ તૈનાતીનો આદેશ આપવામાં આવ્યો છે. સોશ્યલ સાઇટ ઉપર કોઇ અફવા ન ફેલાવે તે માટે તેના ઉપર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
અયોધ્યામાં એક સાર્વજનિક સંબોધન પ્રણાલી (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પણ ઉભી કરવાનું જણાવાયું છે. એવી આશંકા છે કે અસામાજિક તત્વો લોકોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે એટલા માટે પરિપત્રમાં ઉત્તરપ્રદેશ સરકારને રાજ્યમાં અત્યાધિક સંવેદનશીલ વિસ્તારો ઉપર નજર રાખવા અને વિશિષ્ટ સ્થાનો ઉપર પોલીસ દળ તૈયાર રાખવા કહેવાયું છે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer