ભીષણરૂપ લેશે ચક્રવાત `બુલબુલ'' : પીએમઓ સક્રિય

ઓરિસા, પશ્ચિમ બંગાળ અને આંદામાન-નિકોબારના સચિવો સાથે બેઠક: કામગીરીની સમીક્ષા થઈ
નવી દિલ્હી, તા. 7: ચક્રવાતી તોફાન બુલબુલ આગામી 6 કલાકની અંદર ભીષણ સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની આશંકા છે. બન્ને રાજ્યોમાં તાકીદનાં પગલાંરૂપે એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુલબુલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જેનાં કારણે પીએમના પ્રમુખ સચિવ ડો. પીકે મિશ્રાએ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના મુખ્ય સચિવો સાથે બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદન પ્રમાણે સચિવો સાથેની બેઠકમાં બુલબુલ ચક્રવાતની અમુક કલાકની અસર અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલે બુલબુલ ચક્રવાતની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બુલબુલના પ્રભાવ ક્ષેત્રમાં હવાની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિકલાક નોંધવામાં આવી છે અને કેન્દ્રમાં હવાની ઝડપ 90 કિમી પ્રતિકલાક છે. 
હવામાન વિભગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાના કહેવા પ્રમાણે ચક્રવાતી પ્રણાલી ઉપર નજર રાખવામાં આવી રહી છે અને તેની તટ સાથે ટકરાવાના સંભવિત સ્થાન અંગે અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પૂર્વી મિદાનપુર, ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગના જિલ્લામાં 11 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઓરિસ્સામાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. 
આ અગાઉ હવામાન વિભાગના ક્ષેત્રિય ડાયરેક્ટર જીકે દાસે કહ્યું હતું કે, ચક્રવાત બુલબુલ ગુરુવારે રાત્રે મજબૂત થવાની સંભાવના છે અને શનિવારના રોજ શક્તિશાળી થઈને ખૂબ જ ગંભીર શ્રેણીમાં પહોંચી છે. જેનાથી સમુદ્રમાં સ્થિતિ પ્રતિકુળ થઈ શકે છે અને તેના કારણે માછીમારોને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દાસે કહ્યું હતું કે, ચક્રવાત ઉત્તર - ઉત્તર પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને બંગલાદેશના કિનારા તરફ ફંટાય તેવી સંભાવના છે. વધુમાં અતિ ગંભીર શ્રેણીમાં બુલબુલ પહોંચશે તો તેની ગતિ 115થી 125 કિમી પ્રતિકલાક સુધી પહોંચશે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer