સત્તે પે સત્તાની રિમેક મુશ્કેલીમાં?

સત્તે પે સત્તાની રિમેક મુશ્કેલીમાં?
કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાન દિગ્દર્શિત આગામી ફિલ્મ 1982માં અમિતાભ બચ્ચન-હેમા માલિની અભિનિત સત્તે પે સત્તાની રિમેક હશે. આ ફિલ્મમાં અભિનય કરવા માટે શાહરુખ ખાન અને રિતિક રોશન તથી દીપિકા પદુકોણ અને અનુષ્કા શર્માના નામની ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં બને એમ નથી કારણ કે રિમેક બનાવવા માટે મૂળ ફિલ્મના જે અધિકાર જોઇએ છે તે મળ્યા નથી. મૂળ સત્તે પે સત્તાના અધિકારો પારસ પબ્લિસિટીના રાજેશ વસામી પાસે છે. જયારે વાયટી એન્ટરટેન્મેન્ટના રાજુ શાહ પણ તેના પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરી હ્યા છે. વસાણીએ અધિકાર આપવા માટે જે રકમ માગી છે તે રિમેકના નિર્માતાઓને સ્વીકાર્ય નથી. આ વિવાદને પગલે હવે રિમેક ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ સેવન બ્રાઇડ્સ સેવન બ્રધર્સ પરથી બનાવવામાં આવશે. જોકે, આવું કરવાને લીધે ફિલ્મમાંથી બૉલીવૂડના મસાલાની મહેક ખાસ કરીને બાબુનું પાત્ર જતું રહેશે. 
હાલમાં રિતિકના પિતા રાકેશે આ ફિલ્મની પટકથા સાંભળીને સૌથી પહેલો સવાલ બાબુ કયાં છે? એમ કર્યો હતો. મૂળ સત્તે પે સત્તામાં રવિ આનંદ અને બાબુ બંને મહત્ત્વના પાત્રો છે જે અમિતાભ બચ્ચને ભજવ્યા હતા. રાકેશ કહ્યું કે, જો ડબલ રોલ નહીં હોય તો મજા નહીં આવે. આ કારણે હવે ફિલ્મેકર્સ નવેસરથી પટકથા લખવા બેઠા છે અને તેમાં વધુ ડ્રામા ઉમેરવામાં આવશે. 
દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારોના નામ વિશે અટકળો જ ચાલે છે. રિતિકે ફિલ્મ સાઇન નથી કરી સેવન બ્રાઇડ્સમાં ક્રીતિ સેનન અને અનન્યા પાંડેનું નામ પણ લેવામાં આવે છે. અનન્યાએ તો પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઓર વોના કલાકારો સાથે ફરાહ ખાનનો ફોટો મૂકીને લખ્યું હતું મારી આગામી ફિલ્મની દિગ્દર્શિકા સાથે. જોકે, જયાં સુધી પટકથાનું કોકડું નહીં ઉકેલાય ત્યાં સુધી કલાકારો નક્કી નહીં થાય અને શૂટિંગ શરૂ થવાનો તો સવાલ જ પેદા થતો નથી.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer