રાજકોટમાં રોહિતના ઝંઝાવાત સામે બાંગ્લાદેશનો કારમો પરાજય

રાજકોટમાં રોહિતના ઝંઝાવાત સામે બાંગ્લાદેશનો કારમો પરાજય
બાંગ્લાદેશે આપેલા 154 રનના લક્ષ્યાંકને ભારતે 15.4 ઓવરમાં પાર પાડયું : રોહિતે 100મી ટી-20 યાદગાર બનાવતી 85 રનની આતશી ઈનિંગ રમી
રાજકોટ, તા. 7 : દિલ્હીમાં રમાયેલા ટી20 મેચમાં મળેલી હાર બાદ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલા શ્રેણીના બીજા ટી20મા ભારતે બંગલાદેશને આસાનીથી 8 વિકેટે હરાવીને 1-1થી બરાબરી કરી હતી. બંગલાદેશ તરફથી મળેલા 154 રનના લક્ષ્યાંક સામે કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી અને ચોગ્ગા છગ્ગાની રમઝટ સાથે માત્ર 43 બોલમાં 85 રન ઝુડી કાઢ્યા હતા અને પોતાનો 100મો ટી20 મેચ પણ યાદગાર બનાવ્યો હતો. ખીચોખીચ ભરેલા રાજકોટના સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓના દરેક રન સાથે ભારે રોમાંચ જોવા મળી રહ્યો હતો. જો કે રોહિત શર્માની સદી ન થઈ તેનો રાજકોટના ક્રિકેટ રસિકોને અફસોસ રહ્યો હતો. 
પહેલા બેટિંગમાં ઉતરેલી બંગલાદેશની ટીમે આપેલા 154 રનના લક્ષ્યાંક સામે રોહિત શર્મા અને શિખર ધવને મજબુત શરૂઆત કરી હતી. એક તરફ શિખર ધવને વિકેટ જાળવી રાખી હતી. તો બીજા છેડે રોહિત શર્માએ આક્રમક રમત બતાવતા ઝડપી રન એકત્રિત કર્યા હતા. જેમાં ઉપરા ઉપરી ત્રણ છગ્ગા મારીને મેદાનમાં દર્શકોને ઉત્સાહથી ભરી દીધા હતા. ભારતની પહેલી વિકેટ શિખર ધવનના રૂપમાં ગઈ હતી. શિખર ધવન 118 રનના કુલ સ્કોરે અમીનુલ ઈસ્લામના બોલમાં બોલ્ડ થયો હતો. શિખર ધવને 27 બોલમાં 31 રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્મા છગ્ગો ફટકારવાના પ્રયાસમાં 85 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. જો કે રોહિત શર્મા આઉટ થયો પણ ટીમની જીત તેણે સુનિશ્ચિત કરી હતી. શર્મા બાદ શ્રેયસ અય્યરે  3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 24 રન કર્યા હતા અને ભારતે 15.4 ઓવરમાં બે વિકેટના નુકસાને સરળ જીત મેળવી લીધી હતી. 
ગઈકાલે સાંજે વરસાદ પડયા  પછી રાજકોટની મેચ માટે એવી આશંકા હતી કે આજે પણ જો વરસાદ પડશે તો  મેચ ધોવાઇ જશે, પરંતુ મહા વાવાઝોડું સમુદ્રમાં સમાઈ જતાં અને વરસાદના વાદળો વિખેરાઈ જતા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ પર સમયસર જ મેચ શરૂ થઈ. ભારતના સુકાની રોહિત શર્માએ ફિલ્ડીંગ લેવાનું પસંદ કર્યું. ભારતની બાટિંગ સમયે  મેદાન પર વધુ ઝાકળ હોવાની સંભાવનાને કારણે બાંગ્લાદેશના બોલર્સ માટે બાલિંગ મુશ્કેલ બને અને ભારતની જીતની શક્યતા વધી જાય તેમજ રન ચેસ ભારત ને સહેલું પડે તે  હેતુથી  ટીમ મેનેજમેન્ટે  આ નિર્ણય લીધો.
સંભાવના એવી હતી કે  દિલ્હીની મેચના નિષ્ફળ બોલર ખલિલને સ્થાને  શાર્દુલને રમાડવામાં આવશે પરંતુ એવું બન્યું નહીં અને ખલિલ ફરી એક વખત ભારત માટે ખર્ચાળ સાબિત થયો તો સુકાની  રોહિત શર્મા માટે માથાનો દુખાવો!. તેણે તેની પહેલી બે ઓવરમાં 24 રન આપી બાંગ્લાદેશના ઓપનર લીટોન દાસ  અને નઈમને સેટ કરી દીધા . પાંચ ઓવરસ માં તો 40 રન ફટકારી બાંગ્લાદેશે જોરદાર શરૂઆત કરી. દસ  ઓવેર્સમાં બાંગ્લાદેશના 78 રન થઇ ગયા પરંતુ 10 થી 15 ઓવેર્સ ની વચ્ચે ભારતના બોલર્સ, ખાસ કરીને ચહલે સુંદર બોલીંગ કરી અને પાંચ ઓવેર્સના  ગાળામાં 34 રન  આપ્યા  એટલું જ નહીં બાંગ્લાદેશની ત્રણ અગત્યની વિકેટ ઝડપી લીધી. દાસ 29 રને રનઆઉટ થયો તો નાઈમે  31 બોલમાં 36 રન ફટકારી શાનદાર દેખાવ કર્યો. સૌમ્ય સરકારને ત્રીસનો સ્કોર પર અને મુ સફીકરને ચાર રનના સ્કોર પર ચહલે આઉટ કરી ભારતીય ટીમની આ મેચમાં વાપસી કરી.
બાદમાં સુકાની મોહમદઉલ્લા એ  21 બોલમાં 30 રન ફટકારી બાંગ્લાદેશનો સ્કોર 150 આંકડાને વટાવી દીધો અને 20 ઓવેર્સ ને અંતે બાંગ્લાદેશના 153 રન થયા. ભારતે આગલી મેચમાં લગભગ આટલો જ સ્કોર નોંધાવ્યો હતો અને બાંગ્લાદેશ એ ચેસ  કરી અને જીત મેળવી હતી ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી તો વાશિંગ્ટન સુંદર અને  દિપક ચહેરે 25 રનમાં એક વિકેટ ઝડપી. જ્યારે ખલીલ અહેમદ 44 રનની લહાણી કરી જે ભારત માટે સૌથી વધુ ખર્ચાળ બોલર રહ્યો.
 
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer