મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગનો ભય બધા પક્ષોને

મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગનો ભય બધા પક્ષોને
શિવસેનાના વિધાનસભ્યોને રંગશારદા હોટલમાં રખાયા, ભાજપ અને કૉંગ્રેસના વિધાનસભ્યોને મુંબઈ બોલાવાયા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણી માટે શિવસેનાએ અપનાવેલા અક્કડ વલણને લીધે સરકાર રચવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી હવે શિવસેના સહિત બધા પક્ષોમાં પોતાના વિધાનસભ્યોને લાલચ આપી પક્ષાંતર કરાવશે એવો ભય ફેલાયો છે. શિવસેનાએ તેના વિધાનસભ્યોને બાંદ્રા (પશ્ચિમ)માં લીલાવતી હૉસ્પિટલ પાસે આવેલા રંગશારદામાં રાખ્યા છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે `માતોશ્રી' ખાતે નવનિર્વાચિત વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. તે બેઠક પહેલાં બધા વિધાનસભ્યોના મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા. બેઠક પૂરી થયા પછી બધાને રંગશારદામાં રાખવામાં આવ્યા છે.
ભાજપ અને કૉંગ્રેસ પક્ષોએ તેઓના વિધાનસભ્યોને મુંબઈ પહોંચવાનું કહી દીધું છે. કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો છે કે તેમના વિધાનસભ્યોને નાણાંની લાલચ આપી પક્ષાંતર કરવા માટે ફોન કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપવામાં વિલંબ અને વિધાનસભાની મુદત પૂરી થવાને આરે છે. તેથી રાજકીય પ્રવૃત્તિઓ ચરમસીમાએ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર કોંકણનો પ્રવાસ ટૂંકાવીને મુંબઈ પાછા ફર્યા છે.
મહારાષ્ટ્રવાસીઓએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની મહાયુતિને સ્પષ્ટ બહુમતી આપી છે. જોકે, શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ અને સત્તાની સમાન વહેંચણી માટે આગ્રહ રાખતા સરકાર રચવામાં વિલંબ થઈ રહ્યો છે.
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer