શાળાઓમાં હવે સમોસા-બર્ગરનું સ્થાન ઢોકળાં-ઇડલી લેશે

શાળાઓમાં હવે સમોસા-બર્ગરનું સ્થાન ઢોકળાં-ઇડલી લેશે
નવી દિલ્હી, તા. 7 : ફ્રાઇડ પોટેટો ચિપ્સ, સમોસા, બર્ગર, પિત્ઝા, નુડલ્સ જેવા ભારે ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા તેમ જ ખાંડથી મીઠા બનાવેપાલા નાસ્તા પર ફૂડ રેગ્યુલેટરી એજન્સી દ્વારા સૂચિત નવા નિયમો અને માર્ગદર્શિકાઓ હેઠળ શાળાઓમાં પ્રતિબંધ લગાવવામાં આવશે અથવા તેમને ઉત્તેજન આપવામાં નહીં આવે અને આરોગ્યપ્રદ મેનુમાં ઢોકળાં અને ઇડલીનો સમાવેશ કરવામાં આવશે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ એવો પ્રસ્તાવ મૂક્યો છે કે શાળાની કેન્ટીનો અને તેના પરિસરમાં 50 મીટરની અંદર ભારે ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા ખાદ્ય પદાર્થો વેચી શકાશે નહીં એવી જ રીતે આવા ખાદ્ય પદાર્થો બનાવતાં ઉત્પાદકો શાળામાં અને શાળાના પરિસરની 50 મીટર અંદર તેની જાહેરાત કરી શકશે નહીં.
એફએસએસએઆઈએ સૂચિત નિયમો અને માર્ગદર્શિકાઓ સોમવારે બહાર પાડી હતી અને આ સંબંધમાં 3 ડિસેમ્બર સુધીમાં જાહેર જનતા અને દાવેદારો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. એજન્સીએ જણાવ્યું હતું કે તે બાળકો માટે શું આરોગ્યપ્રદ છે અને શું નથી તે સ્પષ્ટ કરવા માગે છે.
એક વખત નોટિફિકેશન બહાર પડી ગયા બાદ આ નિયમો શાળામાં સપ્લાય કરાતાં કે વેચાતા આવા તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોને લાગુ પાડવામાં આવશે.
આવા ખાદ્ય પદાર્થોથી બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી જાય છે એવી આરોગ્યના નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કર્યા બાદ આવા નિયમો અમલી બનાવાય એવી શક્યતા છે.
અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ભારતમાં દર પાંચ બાળકોમાં એક બાળક મેદસ્વી કે વધુ વજન ધરાવતું હોય છે.
 

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer