રૂપાણી માટે 191 કરોડનું નવું વિમાન ખરીદાયું, અંદર હશે ફાઇવસ્ટાર હૉટલ જેવી સુવિધાઓ

રૂપાણી માટે 191 કરોડનું નવું વિમાન ખરીદાયું, અંદર હશે ફાઇવસ્ટાર હૉટલ જેવી સુવિધાઓ
સિવિલ એવિયેશનના રિપોર્ટના આધારે 20 વર્ષ બાદ નવું ઍરક્રાફ્ટ ખરીદાયું છે : મુખ્ય પ્રધાન રૂપાણીની સ્પષ્ટતા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : ગુજરાતની ભાજપ સરકારે આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂા. 191 કરોડના ખર્ચે નવા વિમાનની ખરીદી કરી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્વેન્કી ટુ એન્જિન બૉમ્બાર્ડિયર ચેલેન્જર 650 આવતા બે અઠવાડિયાંમાં પહોંચાડવામાં આવશે. નવું વિમાન 12 મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે અને તેની ફ્લાઇંગ રેન્જ 7000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શક ઁ છે. વિમાન આ મહિનાનાં ત્રીજાં અઠવાડિયાંમાં પહોંચાડવામાં આવશે. હવે આ પ્લેનથી મુખ્ય પ્રધાન લાંબા અંતરની મુસાફરી કરી શકશે. આ પ્લેન દ્વારા ચીન જેટલું લાંબું અંતર પણ કાપી શકશે. 
દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નવું વિમાન ખરીદવા અંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું હેલિકૉપ્ટર જોખમી હોવાનો સિવિલ એવિયેશને સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. ગુજરાત સરકારે 20 વર્ષ બાદ નવું ઍરક્રાફ્ટ ખરીદ્યું છે. નવું વિમાન ખરીદવાની જરૂરિયાત હોવાથી સરકારે નવું ઍરક્રાફ્ટ ખરીદ્યું છે.  ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્ય પ્રધાન પાસે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન છે.          
મહત્ત્વનું છે કે ગુજરાત સરકારે ખરીદેલા બૉમ્બાર્ડિયર ચેલેન્જર 650માં વર્લ્ડ ક્લાસ લેવલની આલીશાન કૅબિનની સુવિધા છે. પહેલી નજરે તે ફાઇવસ્ટાર હૉટલના મિટિંગરૂમ જેવું લાગે છે. પ્લેનમાં મોટી બારી લગાવાઇ છે, જેનાથી અંદર બેઠેલી દરેક વ્યક્તિ બહારનો નજારો જોઇ શકશે. સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કૅબિનને ડિઝાઇન કરાઇ છે. વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ પણ છે. કૅબિનને સ્પેશિયલ બનાવવામાં આવી છે. વિમાનનો વોશરૂમ પણ લક્ઝરિયસ છે. વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરાયો છે. 
જૂનું બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન લાંબું અંતર કાપી શકતું ન હતું જ્યારે નવું બૉમ્બાર્ડિયર ચેલેન્જર 650 લાંબું અંતર કાપી શકશે. લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી એટલે આ ખર્ચો ટાળવા માટે નવું વિમાન ખરીદવાનો નિર્ણય કરાયો છે તેમ જ જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા પણ હતી જેથી તે લાંબું અંતર કાપવા માટે અસક્ષમ હતું જ્યારે નવા વિમાનમાં આ સમસ્યા નહિ રહે તેમ જ જૂના વિમાનમાં બેસવાની ક્ષમતા ચાર-પાંચ લોકોની હતી જ્યારે નવા વિમાનમાં 12 લોકો બેસી શકશે.
 
 
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer