કાંદા હજી એકાદ મહિનો રડાવશે : સ્ટોક લિમિટે વધુ મોકાણ સર્જી

કાંદા હજી એકાદ મહિનો રડાવશે : સ્ટોક લિમિટે વધુ મોકાણ સર્જી
મણિલાલ ગાલા તરફથી
નવી મુંબઈ, તા. 7 : કાંદાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. અને છૂટક બજારમાં તેના ભાવ પ્રતિ કિલો 80 રૂપિયાને આંબી ગયા છે. આ ભાવ સપાટી હજી ઓછામાં ઓછું એક મહિના સુધી ચાલુ રહેશે એવા નિર્દેશ મળે છે.
મહારાષ્ટ્ર કાંદાનો એક મુખ્ય ઉત્પાદક રાજ્ય ગણાય છે. અહીં અતિવૃષ્ટિને કારણે નવા કાંદાનો પાક લગભગ એક મહિનો વિલંબમાં પડયો છે. ઉપરાંત પાકને નુકસાન પણ થયું છે.
દરમિયાન લાસલગાંવમાં તાજેતરમાં કાંદાના જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ જે રૂા. 5000થી 5700 સુધી પહોંચ્યા હતા. એમાં ઘટાડો નોંધાયો છે અને આજે ત્યાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 4000થી 5000ની સપાટીએ બોલાયા હતા. આનું કારણ આપતાં લાસલગાંવનાં કાંદાના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે રાજસ્થાનનાં અલવરના નવા કાંદાની આવકો શરૂ થતાં ઉત્તર ભારતનો પુરવઠો ત્યાંથી જઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર પર બોજો ઘટતાં અહીં જથ્થાબંધ ભાવ ઘટયા છે. આમ છતાં વેપારીઓનું કહેવું છે કે તેમનાં પર જે સ્ટોક લિમિટ લાદવામાં આવી છે તેનાથી વેપાર ખોરવાઈ જાય છે અને ભાવમાં ઉછાળો જોવાયો છે.
કાંદાના સતત ભાવ વધારાથી ચિંતિત કેન્દ્ર સરકારે ગત સપ્ટેમ્બરમાં સ્ટોક લિમિટ લાદી હતી અને નિકાસ પર પ્રતિબંધ લાદયો હતો. જથ્થાબંધ વેપારીઓ માત્ર 500 ક્વિન્ટલ અને રિટેલરો માત્ર 100 ક્વિન્ટલ કાંદા સ્ટોક કરી શકે છે.
લાસલગાંવની જથ્થાબંધ બજારનાં ચૅરમૅન જયદત્ત હોલાકરે જણાવ્યું હતું કે આવી કડક સ્ટોક લિમિટને કારણે માર્કેટોનો વેપાર ખોરવાઈ ગયો છે. સામાન્યરીતે વેપારીઓ માગની અપેક્ષાએ સ્ટોક કરતા હોય છે પરંતુ સ્ટોક લિમિટ આવી જતાં વેપારને વિપરીત અસર થઈ રહી છે. કારણ કે તેઓ રિટેલ બજારમાં પૂરતો જથ્થો મોકલી શકતા નથી.
સરકારે સ્ટોક લિમિટે તત્કાળ રદ કરવી જોઈએ.
પીંપળગાંવ માર્કેટના ચૅરમૅન દિલીપરાવ બાનકરે પણ માર્કેટોમાં વેપાર ખોરવાઈ જવા માટે કેન્દ્ર સરકારનાં પગલાંને જવાબદાર ગણાવ્યું હતું.
બીજી તરફ નવી મુંબઈની જથ્થાબંધ કાંદા બજારનાં સામાન્ય કરતાં હાલ આવક ઘટી છે અને હાલ સરેરાશ 90થી 100 ગાડીની દૈનિક આવક થાય છે જે સામાન્ય સંજોગોમાં 125થી 140 ગાડીની થતી હોય છે.
કાંદા બજારનાં ભૂતપૂર્વ ડાયરેક્ટર અશોક વાળુંજે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ આવક અનિયમિત છે. મંગળવારે 120 ટ્રકની આવક થઈ હતી તો આજે 70 ગાડી આવી હતી. હાલ જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 5000થી 5500 છે. નવા કાંદાની આવક ત્રણેક સપ્તાહ પછી શરૂ થવાની વકી છે. પરંતુ પાકને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ હજી હવે આવશે. વાળુંજે પણ સ્ટોક લિમિટ રદ કરવાની માગણી કરી હતી.
 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer