ગુજરાતમાં ટૂંકમાં ઠંડીનું આગમન

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 : ગુજરાત પરથી આખરે `મહા' વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. આ વાવાઝોડું ગુજરાતમાં આગમન કરતા અગાઉ જ `િડપ્રેશન'માં ફેરવાઈને અરબી સમુદ્રમાં સમાઈ ગયું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં `િડપ્રેશન' સાયકલોનમાં ફેરવાતા `બુલબુલ' નામનું નવું વાવાઝોડું સર્જાયું છે. આ વાવાઝોડું વધુ વિનાશક રૂપ લે તેવી આગાહી કરાઈ છે. જોકે, તે ગુજરાતથી ઘણું દૂર છે, પરંતુ તેના લીધે હળવો વરસાદ પડી શકે છે.
આ સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. આ હિમવર્ષા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠંડીના આગમનના એંધાણ આપી રહી છે. ઠંડા પવનો આગામી સપ્તાહે ગુજરાત સહિત દેશભરના મોટા ભાગના રાજ્યોમાં નવી સવાર ઊભી કરશે. સંભવત: 15મી તારીખ સુધીમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઠંડી પ્રવેશ કરશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. `મહા' વાવાઝોડાની પણ અસર થઈ છે. તેના લીધે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ત્રણ દિવસ મધ્યમથી ભારે હિમવર્ષા અને વરસાદ પડી શકે છે, જ્યારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે અને આગામી સપ્તાહે ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડી પડશે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer