બ્રિચકેન્ડી : બિલ્ડિંગમાં મ્હાડાએ જગ્યા ગુમાવી

મુંબઈ, તા. 8 : દક્ષિણ મુંબઈના બ્રિચકેન્ડીમાં 38 માળની બિલ્ડિંગ સૂરજ એપાર્ટમેન્ટમાં 11,515 સ્કે. ફૂટ જગ્યા હસ્તગત કરવા માટેની 20 વર્ષ જૂની લડાઈ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમૅન્ટ અૉથોરિટી (મ્હાડા)એ ગુમાવી દીધી છે.
મુંબઈ વડી અદાલતે મ્હાડા ઍકટ હેઠળની અૉથોરિટી ગણાતા એપેલેટ અૉફિસરનો આદેશ માન્ય રાખ્યો હતો. આ ઓર્ડર મુજબ મ્હાડા એ સાબિત કરવામાં નિષ્ફળ નીવડયું કે બીલ્ડર અને ત્યાંના રહેણાકી દિલીપ ઠક્કર દ્વારા બિલ્ડિંગમાં ભાડૂઆતની સંખ્યા વધારવામાં આવી છે.
મ્હાડાએ કહ્યું હતું કે ઠક્કરે જૂના ભાડૂતોની સંખ્યા ત્રણથી વધારી 26ની કરી હતી જેનો હેતુ વધારાની એફએસઆઈ માટે દાવો કરવાનો હતો.
ન્યાયમૂર્તિ આર. ડી. ધાનુકાએ માન્ય કર્યું કે આંતરિક પ્રક્રિયાઓમાં વધારાની 11,515 સ્કે. ફૂટ કેવી રીતે મેળવી તે મ્હાડાના અૉફિસરો સાબિત કરી શક્યા નહોતા. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer