કમોસમી વરસાદને કારણે દાળોના ભાવમાં ઉછાળો

કમોસમી વરસાદને કારણે દાળોના ભાવમાં ઉછાળો
મુંબઈ, તા. 8 : કમોસમી વરસાદથી ખેડૂતવર્ગ પરેશાન છે. હવે સામાન્ય માણસ માટે દાળમાં તડકો લગાવવાનું મુશ્કેલ બની જશે, જેમાં મગ અને અડદના દાળના ભાવ અત્યારથી જ ચેતવણીસૂચક બની રહ્યા છે. થોડાં જ મહિનામાં દાળોની કિંમતમાં કિલોદીઠ રૂા. 10થી 50 વધી ગયા છે.
આ વર્ષે કેટલાક ઠેકાણે બહું જ વરસાદ થયો તો કેટલાંક ઠેકાણે અત્યંત ઓછો વરસાદ રહ્યો હતો. એટલું જ નહીં વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે છતાં કેટલાક ઠેકાણે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આની ખેતી પર ભારે પ્રતિકૂળ અસર પડી છે. આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોની કિંમત આકાશને સ્પર્શે એવી શક્યતા છે.
કમોસમી વરસાદની વિશેષ અસર અળદની ખેતી પર પડી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુ.પી. અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં સરકારે 2018-'19માં 32.60 લાખ ટન તો 2019-'20 માટે 37 લાખ ટન દાળની ઊપજનો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ હવે આ લક્ષ્યાંકો હાંસલ કરવા મુશ્કેલ બન્યા છે. સામે સરકારે 31 અૉક્ટોબર સુધીમાં દોઢ લાખ ટન અડદની આયાતનો ક્વૉટા નિર્ધારિત કર્યો હતો જે હાંસલ કરી દેવાયો છે. વરસાદને કારણે આ વર્ષે અડદની ઊપજ 30થી 40 ટકા ઓછી થવાની શક્યતા છે, જે સરકાર માટે પડકારરૂપ બની શકે છે. એક મહિના પહેલા અડદની દાળનો ભાવ કિલોદીઠ રૂા. 90થી 100નો હતો તે વધીને રૂા. 150 બોલાયો છે અને હજી તો પૂરું વર્ષ બાકી છે.
મગ પણ મોંઘા થયા છે. રાજસ્થાન, એમ.પી., ગુજરાત, બિહાર, યુ.પી. જેવાં રાજ્યોમાં તેની ખેતી થાય છે. 2018-'19માં 23.5 લાખ ટન તો 2019-'20માં 23 લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આમ તો તેનો 70 ટકા ખરીફ અને 30 ટકા રવીપાક થતો હોય છે. ભારે વરસાદની તેના પાક પર અસર થઈ છે. માગની તુલનામાં તેનું ઉત્પાદન પણ ઓછું છે તેથી તેનો ભાવ વધી શકે છે. એક મહિના પહેલા કિલોદીઠ રૂા. 80થી 85માં વેચવાલી રહી હાલ રૂા. 110ના ભાવે વેચાણ થઈ રહ્યું છે.
ચણા અને વટાણાના ઉત્પાદન બાબતે દેશ અગ્રણી ગણાય છે. આથી જ સરકારે તેની આયાત પર ભારે ડયૂટી લાદેલી છે. વટાણાની આયાત પર 50 ટકા તો ચણાની આયાત પર 66 ટકા ડયૂટી લાગુ છે. આ જોતાં તેની આયાત પરવડે નહીં અને ડયૂટી જો ઘટાડવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે.

Published on: Fri, 08 Nov 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer