આજે નિર્ણાયક દિવસ

આજે નિર્ણાયક દિવસ
નીતિન ગડકરી મુંબઈ આવી રહ્યા છે
મુંબઈ, તા. 8 : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ભાજપને સાઈડલાઈન કરીને તેઓ કંઈ પણ કરવા માગતા નથી, પણ જે તેઓ શબ્દ પાળવા માગતા ન હોય તો હું મારી ભૂમિકાને વળગી રહું છું. મુખ્ય પ્રધાનપદ આપવા તૈયાર હો તો જ મને ફોન કરજો, નહીં તો નહીં, એમ સ્પષ્ટ સંદેશ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. જ્યારે બીજી બાજુ ભાજપના નેતા સુધીર મુનગંટીવારે લઘુમતી સરકાર બનાવવામાં અમને રસ નથી એમ કહેતા હાલ મહારાષ્ટ્રમાં સરકાર બને એવો કોઈ અણસાર દેખાતા નથી.
રાજ્યની તેરમી વિધાનસભાની મુદત આવતી કાલે - શનિવારે પૂર્ણ થાય છે તેને લઈ શુક્રવારે દિવસભર સરકાર સ્થાપવાની દ્રષ્ટિએ નક્કર હિલચાલ થવી આવશ્યક છે. તેમ નહીં થાય તો રાજ્યમાં શનિવારથી રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાના પર્યાયની અમલ બજવણી કરવાની દ્રષ્ટિએ ગવર્નર દ્વારા કાર્યવાહી થવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના 13મા દિવસે પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને અવઢવની સ્થિતિ છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જો આઠમી નવેમ્બર સુધી સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમ જ અન્ય પ્રધાનો પોતાની સરકારી ગાડીઓ અને અન્ય સુવિધા પરત આપી શકે છે. બીજેપી ફક્ત શુક્રવાર સાંજ સુધી રાહ જોશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બીજેપી અને શિવસેના વચ્ચે હાલ કોઈ જ ચર્ચા નથી થઈ રહી. આ જ કારણે કોઈ સમાધાન આવે તેમ દેખાતું નથી.
દરમિયાન ભાજપે હજી સરકાર બનાવવાના પ્રયાસો છોડયા નથી. આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મુંબઈ આવી રહ્યા છે. દરમિયાન ભાજપે તેમની કોર કમિટીની એક બેઠક બોલાવી છે. જ્યારે ગઈ કાલે રાત્રે મહારાષ્ટ્રના ભાજપના પ્રભારી જિતેન્દ્ર યાદવ ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળી કોઈ વચગાળાનો માર્ગ કાઢવા પ્રયાસો કર્યા છે.
આ મુલાકાત પછી નીતિન ગડકરીને મુંબઈ મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. તેને લઈ ભાજપની દ્રષ્ટિએ પણ આજનો દિવસ મહત્ત્વનો રહેશે. ગડકરી આજે માતોશ્રી જઈ ઉદ્ધવ ઠાકરેને મળી મહારાષ્ટ્રમાં ગૂંચવાયેલું સત્તાનું કોકડું ઉકેલવા પ્રયાસ કરશે.
જ્યારે રખેવાળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે મુશ્કેલ સમય શરૂ થયો છે. હાલ તો રાજકીય ઘટનાક્રમ એ વાતનો સંકેત આપી રહ્યો છે કે રાજ્ય રાષ્ટ્રપતિશાસન તરફ આગળ વધી રહ્યું છે. હકીકતમાં ભાજપના રણનીતિકાર રાજભવનની તાકાતનો ઉપયોગ `કૂલિંગ પિરિયડ' તરીકે કરે તો આશ્ચર્ય નહીં થાય. રાજકીય પંડિતોનું કહેવું છે કે જ્યારે રાષ્ટ્રપતિશાસન હટશે તો ભાજપ નવા ચહેરા સાથે શિવસેના સાથે વાતચીતનો નવો દોર શરૂ કરશે. ત્યાં સુધીમાં રાજકીય માહોલ પણ ઠંડો પડયો હશે. આની પાછળ એક તર્ક એવો અપાઈ રહ્યો છે કે શાહ અને મોદીએ ફડણવીસને ફરી મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરી હોવાથી તેમને હટાવી હાઈકમાન્ડને ખોટા સાબિત કરવા નથી. એટલે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવાશે ત્યારે ફડણવીસ અધિકૃત રીતે પદ પરથી હટી જશે. જો ફડણવીસ મુખ્ય પ્રધાન બને તો પણ એમની તાકાત પહેલા જેવી નહીં હોય.
સત્તાની સમાન વહેંચણીની માગણી માટે 50-50ના જે વાયદાની વાત શિવસેના જે રીતે ઉઠાવી રહી છે અને ઉદ્ધવ ઠાકરે વારંવાર કહેતા આવ્યા છે કે અમને એના કરતા એક કણ વધુ નથી જોઈતી એટલે લોકો એવું માની રહ્યા છે કે ભાજપ જ વાયદાનો ભંગ કરી રહી છે.
ભાજપના સૂત્રના જણાવ્યા મુજબ અમિત શાહ પોતે આ વાતથી ઘણા નારાજ છે કે એમના પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. હકીકતમાં 50-50નો વાયદો તેમણે નહીં મુખ્ય પ્રધાને કર્યો હતો. મુખ્ય પ્રધાન દ્વારા આ બાબતની સ્પષ્ટતા ન થવાને કારણે અમિત શાહનું જે રીતે નીચાજોણું થઈ રહ્યું છે એને કારણે ભાજપ-પ્રમુખ ભડક્યા છે.
ભાજપના સૂત્રનું કહેવું છે કે આજ કારણસર અમિત શાહે આ મામલે ચુપ્પી સાધી છે. જો તેઓ મધ્યસ્થી માટે આવ્યા તો તેમણે સાચું બોલવું પડે અને સાચું બોલવા ન માગતા હોય તો પણ શિવસેના તેમની પાસે હકીકત જાહેર કરાવવાની કોશિશ કરશે.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer