રેટિંગ આઉટલૂક ઘટાડાની અસરથી સૂચકાંકો ઘટયા

રેટિંગ આઉટલૂક ઘટાડાની અસરથી સૂચકાંકો ઘટયા
યસ બૅન્ક વધ્યો, સન ફાર્મા ઘટયો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મૂડી'સ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે ભારતનું આઉટલૂક `સ્ટેબલ'થી ઘટાડીને `નેગેટિવ' કરતાં શૅરબજારોના સૂચકાંકો ઘટયા હતા. રેટિંગ એજન્સીએ ઈન્ફોસિસ, ટીસીએસ, એક્ઝીમ બૅન્ક, એચડીએફસી બૅન્ક, હિરો ફિનકોર્પ, હુડકો અને એસબીઆઈનું રેટિંગ પણ નેગેટિવ કર્યું તેની અસરથી આ શૅરોમાં ગાબડાં પડયાં હતાં. 
એસએન્ડપી બીએસઈ સેન્સેક્ષ 330 પોઈન્ટ્સ (0.81 ટકા) ઘટીને 40,324 ઉપર બંધ રહ્યો હતો. સત્ર દરમિયાન ઈન્ડેક્સ 40,749.33ની નવી ઉપલી સપાટીને સ્પર્શયો હતો. યસ બૅન્ક સૌથી વધુ 4 ટકા વધ્યો હતો, જ્યારે સન ફાર્મા સૌથી વધુ 4 ટકા જેટલો ઘટયો હતો. ટીસીએસ, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ, આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવયર (એચયુએલ) સૌથી વધુ ઘટયા હતા. સેન્સેક્ષની 30માંથી 24 શૅર્સ ઘટયા હતા અને માત્ર છ શૅર્સ વધ્યા હતા. 
બીએસઈમાં 2697 કંપનીઓમાંથી 1472 કંપનીઓના શૅર્સ ઘટયા હતા, અને 1047 શૅર્સ વધ્યા હતા, જ્યારે 178 શૅર્સના ભાવ સ્થિર રહ્યા હતા. એનએસઈમાં નિફ્ટી50 શુક્રવારે 12,000ની સપાટીથી 104 પોઈન્ટ્સ (0.86 ટકા) ઘટીને 11,908 ઉપર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ સત્ર દરમિયાન 12,034.15ની ઉપલી ટોચને સ્પર્શયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્ષ 0.39 ટકા અને નિફ્ટી 0.14 ટકા વધ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઇન્ડિયા વીઆઈએક્સ 4 ટકા વધીને 15.86ના સ્તરે હતો. 
વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકૅપ ઈન્ડેક્સ 117 પોઈન્ટ્સ (0.79 ટકા) ઘટીને 14,731 બંધ રહ્યો હતો, જ્યારે એસઍન્ડપી બીએસઈ સ્મોલકૅપ 71 પોઈન્ટ્સ (0.53 ટકા) ઘટીને 13,475 બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકમાં રિયલ્ટી અને પ્રાઈવેટ બૅન્ક્સને બાદ કરતાં દરેક ક્ષેત્રવાર સૂચકાંકો એનએસઈમાં ઘટયા હતા. ફાર્મા કંપનીના શૅર્સ નોંધપાત્ર ઘટયા હતા. તે પછી પીએસયુ બૅન્ક અને એફએમસીજી શૅર્સ સૌથી વધુ ઘટયા હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ બે ટકા ઘટીને 7787.40, નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ બે ટકા જેટલો ઘટીને 2437 બંદ રહ્યો હતો. નિફ્ટી રિયલ્ટી 1.66 ટકા વધીને 281ના સ્તરે અને નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ 0.70 ટકા વધીને 16,996 ઉપર બંધ રહ્યો હતો. 
ડીએલએફના ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થતા કંપનીનો શૅર બીએસઈમાં 6 ટકા વધીને $204 સત્ર દરમિયાન વધ્યો હતો. ઉપરાંત કંપની એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં 26 નવેમ્બર, 2019થી સમાવેશ થશે. સત્રના અંતે શૅર 5.59 ટકા વધીને $203.20 બંધ રહ્યો હતો. અરવિંદ લિ.એ તેના લાઈફસ્ટાઈલ બિઝનેસને ડિમર્જ કરવાની જાહેરાત કરતા બીએસઈમાં શૅર 20 ટકા જેટલો વધ્યો હતો. ગેઈલની સપ્ટેમ્બર'19 ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થયા બાદ શૅર ચાર ટકાની આસપાસ ઘટયો હતો. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 34.7 ટકા ઘટીને $1167.58 કરોડનો રહ્યો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં $1788.98 કરોડ હતો.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer