ખસખસમાં આયાતી માલના આગમનથી ભાવમાં કડાકો

ખસખસમાં આયાતી માલના આગમનથી ભાવમાં કડાકો
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 8 : દોઢ વર્ષથી બંધ રહેલી ખસખસની આયાત હવે ફરી શરૂ થઈ છે. આયાતી માલ દેશમાં આવી પહોંચતા જ ભાવમાં પચાસ ટકાનું ગાબડું પડયું છે.
આવતી કાલે શનિવારે ખસખસના આયાતકારોને માલની ડિલિવરી મળવાની શરૂઆત થશે એવું ધ પૂના મર્ચન્ટ ચેમ્બરના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશભાઈ પટેલનું કહેવું છે.
ખસખસનો આયાતી માલ દેશમાં આવી પહોંચતાં જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોએ રૂા. 1200-1250થી ગગડીને રૂા. 550-600 બોલાઈ ગયા છે. આ સ્તરેથી ભાવ નીચે જવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓનું 
કહેવું છે.
કુલ 18,000 ટનની આયાતની પરવાનગી અપાઈ છે. આ બધો જ માલ લગભગ એક-દોઢ મહિનામાં અત્રે આવી પહોંચવાની ધારણા છે.
દેશના ખસખસના ખેડૂતો અને કેટલાંક આયાતકારોનો આક્ષેપ છે કે ખસખસના થોડાક આયાતકારોએ કાર્ટેલ બનાવીને આયાતનો ક્વોટા કોર્નર કરી લીધો છે. આ કહેવાતા કાર્ટેલના સભ્યોએ નાર્કોટિક્સ બોર્ડની યાદી બહાર પડે તે પહેલાં તુર્કી નિકાસકારો પાસે અૉર્ડર નોંધાવીને પૈસાની ચુકવણી પણ કરી દીધી હતી.
આથી સ્પષ્ટ થાય છે કે કાર્ટેલને સીબીએનના નોટિફિકેશનની અગાઉથી જાણ હતી એવું મુંબઈના આયાતકારનું કહેવું છે.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer