સીએઆઈ : 2019-20નો રૂના પાકનો અંદાજ 354.50 લાખ ગાંસડી

સીએઆઈ : 2019-20નો રૂના પાકનો અંદાજ 354.50 લાખ ગાંસડી
પાક વધુ થવાની આશાએ આયાત ઘટવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : આ વર્ષે હવામાનમાં વારેવારે થયેલા ફેરફાર અને લંબાયેલા ચોમાસાને કારણે કોટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાએ સિઝન વર્ષ 2019-2020 (અૉક્ટો-સપ્ટે) માટે દેશમાં રૂના ઉત્પાદનનો પ્રાથમિક અંદાજ 354.50 લાખ ગાંસડી મૂકયો છે. જે ગત સિઝનના 312 લાખ ગાંસડીના ઉત્પાદન કરતા 42.50 લાખ ગાંસડી વધુ રહેશે. વાવેતર વિસ્તાર વધવાને કારણે અને ઉપજ (યિલ્ડ)માં સુધારો અપેક્ષિત હોવાથી ઉત્પાદન વધુ થશે. પરંતુ હમણાંના વધુપડતા વરસાદની અવળી અસર જોતાં ઉત્પાદન વૃદ્ધિ 13.62 ટકા સીમિત રહેશે એમ સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
સિઝન વર્ષ 2019-20માં ઉઘડતો સ્ટોક 23.50 લાખ ગાંસડી, ઉત્પાદન 354.50 અને આયાત 25 લાખ ગાંસડી સાથે કુલ પુરવઠો 403 લાખ ગાંસડી રહેશે. સામે ડોમેસ્ટીક વપરાશ 315 લાખ ગાંસડી અને 42 લાખ ગાંસડી નિકાસ સાથે 357 લાખ ગાંસડીનો નિકાલ જોતા સિઝનને અંતે 46 લાખ ગાંસડી ક્લોઝિંગ સ્ટોક રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સ્થાનિક સ્તરે વધુ ઉત્પાદનને કારણે રૂની આયાત ગત વર્ષની 32 લાખ ગાંસડી સામે 
ઘટીને 25 લાખ ગાંસડી રહેવાની સંભાવના છે જ્યારે નિકાસનો આંક 42 લાખ ગાંસડીએ બંને વર્ષમાં સમાન રહેવાની શક્યતા સીએઆઈએ વ્યક્ત કરી છે.
 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer