મૂડી''સે ભારતનો ક્રેડિટ આઉટલૂક ઘટાડીને નેગેટિવ કર્યો

નાણાં મંત્રાલય : અર્થતંત્રની વિકાસ ક્ષમતા યથાવત્ છે
મુંબઈ, તા. 8 (એજન્સીસ) : આંતરરાષ્ટ્રીય રાટિંગ એજન્સી મૂડી'સે ભારતના સોવરેન રાટિંગ આઉટલૂક સ્ટેબલ (સ્થિર)ને ઘટાડીને નેગેટિવ કર્યું છે. ભારતના આર્થિક વિકાસ સામે જોખમ વધી રહ્યું છે એ કારણે આ પગલું લેવાયું છે એમ મૂડી'સે શુક્રવારે જણાવ્યું હતું. આગળ જતાં ભારતનો આર્થિક વિકાસ નીચો રહેવાનું જોખમ છે એમ તેણે કહ્યું હતું. 
મૂડી'સે ભારતનું રાટિંગ આઉટલૂક ઘટાડ્યું તેને તેના તીવ્ર પ્રતિકાર શૅરબજાર પર પડ્યા હતા અને ઈન્ડાઈસિઝમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્ષ 330.13 પોઇન્ટ અને નિફટી ફિફટી 103.90 પોઇન્ટ ઘટ્યા હતા. આમ સૂચકાંકોમાં 0.8 ટકા ઘટાડો નોંધાયો હતો.  
ભારતનું રાટિંગ આઉટલૂક ઘટતા હવે વિદેશી સંસ્થાઓનું રોકાણ ઘટે અને તેમની વ્યાપક વેચવાલી આવે એવી શક્યતા બજારમાં જોવાતી હતી.   ભારતના આર્થિક વિકાસમાં થઇ રહેલો ઘટાડો લાંબો સમય ચાલશે એમ અમને લાગે છે એવું મૂડી'સે કહ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક એપ્રિલથી જૂન દરમિયાન ભારતનો આર્થિક વિકાસ માત્ર પાંચ ટકા નોંધાયો હતો અને જુલાઈથી સપ્ટેમ્બરમાં આ આંકડો હજી નીચો જાય એવી સંભાવના નિષ્ણાતો જોઈ રહ્યા છે.  
આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે તાજેતરમાં જે પગલાં લીધા તેને કારણે વિકાસને વધુ પડતો અટકાવી શકાશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તાણ, રોજગારીની સમસ્યા અને પ્રવાહિતાની ખેંચ જેવી સમસ્યાઓને કારણે વિકાસ દરમાં વધુ ઘટાડો શક્ય જણાય છે એમ પણ મૂડી'સે કહ્યું હતું.  
મૂડી'સની જાહેરાતના પ્રત્યાઘાત આપતા ભારત સરકારના નાણાં ખાતાએ કહ્યું હતું કે ભારત વિશ્વના સૌથી વધુ ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે. ભારતની આર્થિક વિકાસની ક્ષમતા ઘણી છે અને તેમાં કોઈ ફેર પડ્યો નથી. 
ભારતના વિકાસના સારા સંજોગોને આઇએમએફ વગેરે બહુરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યા છે. બે વર્ષ પહેલા ભારતના આંતરરાષ્ટ્રીય રાટિંગને વધારનારી એકમાત્ર રાટિંગ એજન્સી મૂડી'સ હતી. 
મૂડી'સના કહેવા અનુસાર ભારત માટે આર્થિક વિકાસ નબળો પડવાનું  જોખમ અત્યારે વધુ છે કારણ કે આર્થિક અને સંસ્થાકીય સુધારાઓની શક્યતા વર્તમાન સંજોગોમાં ઘટેલી જણાય છે. આવા સુધારાઓને કારણે આર્થિક વિકાસ વધી શકે તેમ જ મૂડી રોકાણમાં પણ વધારો આવી શકે. માળખાકીય મર્યાદાઓની પણ અસર આર્થિક વિકાસ પર પડી શકે એમ તેણે કહ્યું હતું. 
ગયા મહિને મૂડી'સે જણાવ્યું હતું કે 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર એક વર્ષ પહેલાના 6.8 ટકાથી ઘટીને 5.8 ટકા થાય એવી શક્યતા તેને દેખાય છે.  
વર્તમાન સંજોગો જોતા ભારત સરકાર માટે રાજકોષીય ખાધ ઘટાડવી એક મોટો પડકાર બની રહેશે એમ મૂડી'સે કહ્યું હતું. રાજકીય ખાધ અંકુશમાં રહે અને આગળ જતા ઘટી શકે એવા સંજોગોમાં ભારતનું રાટિંગ વધી શકે એમ પણ તેમણે કહ્યું હતું.  
નાણાં ખાતાએ પોતાના પ્રત્યાઘાતમાં વધુમાં કહ્યું હતું કે સરકારે તાજેતરમાં અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લીધા છે અને તેને કારણે ભારતમાં મૂડીનો પ્રવાહ વધશે તેમ જ રોકાણને પ્રોત્સાહન મળશે. મૂળભૂત રીતે અર્થવ્યવસ્થા મજબૂત છે અને ફુગાવો પણ અંકુશમાં છે. મધ્યમ સમયમાં ભારતમાં મોટો વિકાસ થઈ શકે એવી શક્યતા તેણે દર્શાવી હતી. ખાસ કરીને રાજકોષીય ખાધ પણ અંકુશમાં છે. તેમ જ બાહ્ય વેપારમાં પણ કોઈ સમસ્યા દેખાતી નથી. આવા પગલાં લેવા પાછળ રાટિંગ એજન્સીઓને તેમના પોતાના કારણો હોય છે. 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer