ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ 3345 કેસ નોંધાયા, 9 લોકોનાં મોત

રાજકોટમાં આરોગ્ય અધિકારીની પુત્રીનું ડેન્ગ્યુથી મોત થતાં ચકચાર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 : ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ બાદ અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જોકે કમોસમી વરસાદ બાદ રાજ્યમાં રોગચાળો ફરી માથું ઊંચકી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુએ છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો છે. પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ 3345 કેસ નોંધાયા છે અને વર્ષ દરમિયાન 9 લોકોનાં મોત નિપજ્યાં છે. ગત વર્ષે ડેન્ગ્યુથી 4 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં રાજકોટ, મહેસાણા, વડોદરા, સુરત અને અમદાવાદમાં હાલ ડેન્ગ્યુના કેસોમાં ભયજનક વધારો થયો છે જ્યારે રાજકોટમાં જસદણના આટકોટમાં આરોગ્ય અધિકારી ડૉ. સુનીલ ચૌધરીની પુત્રીનું ડેન્ગ્યુથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ડૉકટરના ઘરની આસપાસનાં ઘરોમાં સર્વે કરાયા બાદ 45 ઘરમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 
રાજ્યભરમાં ડેન્ગ્યુના કેસોમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણાના નાગલપુરમાં ડેન્ગ્યુને કહેર યથાવત છે. નાગલપુર વિસ્તારની 20 સોસાયટીમાં ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા છે. પ્રત્યેક સોસાયટીમાં ડેન્ગ્યુના 8થી 10 કેસ નોંધાયા છે. નાગલપુરમાં અત્યાર સુધીમાં 400થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. નગરજનો દ્વારા નગરપાલિકાને જરૂરી કામગીરી કરવા રજૂઆત કરાઇ છે. 
સુરતમાં કમોસમી વરસાદના કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળી છે. જેમાં વરસાદના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. સુરતમાં અૉક્ટોબરમાં જ ડેન્ગ્યુના શંકાસ્પદ 778 કેસો નોંધાયા છે. જ્યારે મલેરિયાના 501 અને સાદા તાવના 350 કેસો નોંધાયા છે. જોકે આ બધા વચ્ચે વધતા રોગચાળાને નાથવા તંત્રએ કવાયત હાથ ધરી છે. 
અમદાવાદમાં ગોતા, શાહીબાગ, લાંભા અને બોડકદેવમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસો નોંધાયા છે. જાન્યુઆરીથી અૉક્ટોબર મહિના સુધીમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા તાવના જ 13,16,612 દર્દીઓ મ્યુનિ. ચોપડે નોંધાયા છે. તાજેતરમાં 17 મેડિકલ કૅમ્પ યોજાયા તેમાં 18,492 દર્દીઓ સારવાર લેવા માટે આવ્યા હતા. આ આંકડા જ સ્વયં સાબિત કરે છે કે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડેન્ગ્યુથી નાના બાળકોનાં મૃત્યુ વધુ છે. 
 બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયાને આતંક 
દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયાએ આતંક મચાવ્યો છે. ડિપ્થેરિયાથી ધાનેરામાં બાળકોનાં મોત નિપજ્યાં બાદ હવે ડીસામાં છેલ્લા એક માસથી ડિપ્થેરિયાના 80 જેટલા શંકાસ્પદ કેસો માત્ર સિવિલ હૉસ્પિટલમાં નોંધાયા છે. નોંધનીય છે કે, આ રોગથી બાળકના ગળામાં સોજો આવે છે અને ત્યાર બાદ તેના ગળામાં એક છારી બનવા લાગે છે. આ છારીમાંથી હેકસોટોક્સીન ઝેરનો ત્રાવ થવા માંડે છે. આ ઝેર ખૂબ જ ખતરનાક હોય છે. એક કિલોગ્રામમાં માત્ર એક મિલિગ્રામ ઝેર જ જીવલેણ માનવામાં આવે છે. આ ઝેર બાળકના લોહીમાં ભળી જવાથી બાળકનું મોત થાય છે. 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer