અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આરએસએસ લોકો સાથે સંવાદ કરશે

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 8 : અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યા બાદ આરએસએસનું ટોચનું નેતૃત્વ દેશવાસીઓ સાથે સંવાદ કરી શકે છે. આ માહિતી જાણકાર સૂત્રોએ આપી છે. એક અહેવાલ મુજબ દેશભરમાં સંઘના મોટા નેતાઓ લોકો સાથે આ વિષયમાં વાત કરશે અને તેમને અદાલતના ચુકાદાનું સ્વાગત કરવાનું જણાવશે.
મળેલા અહેવાલ મુજબ, આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત અથવા સરકાર્યવાહક સુરેશ ઉર્ફે ભૈયાજી જોશી સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દેશને સંબોધી પણ શકે છે. ન્યાયાલયના ચુકાદા બાદ પોતાની મીડિયા રણનીતિ તૈયાર કરવામાં હાલ સંઘ વ્યસ્ત છે.
આગામી સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવશે. સંઘે એક વિસ્તૃત યોજના ઘડી છે જે હેઠળ ક્યા નેતાને દેશના ક્યા ભાગમાં મોકલવો તે નક્કી કરવામાં આવ્યું છે.
કોર્ટના ચુકાદાનું સ્વાગત કરવાની સાથે સાથે સંઘ સમાજના તમામ વર્ગોને શાંતિ જાળવવાની અપીલ કરશે અને પરિસ્થિતિ પર નજર રાખશે.
સંઘના નેતાઓએ આ સંદર્ભમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરી હતી.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer