રાજકીય કટોકટી માટે શિવસેના જવાબદાર : દેવેન્દ્ર ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ફડણવીસે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી મેં સરકારની રચના માટે ઉદ્ધવ ઠાકરેને ફોન ર્ક્યો હતો. તેમણે ફોન ઉઠાવ્યો નહોતો અને પછી જવાબ સુધ્ધાં આપ્યો નહોતો. મહાયુતિના દરવાજા બંધ થયા નથી, અમને જે બાબતોનો અફસોસ છે તેની સ્પષ્ટતા થવી જોઈએ. મતભેદ હોય તો નીતિ ઉપર બોલવું જોઈએ. અમે હિન્દુત્વના તાંતણે જોડાયેલા છીએ. અમારી યુતિ તૂટી નથી. કેન્દ્ર સરકારમાં અમે સાથે છીએ. યુતિ તૂટી છે એમ શિવસેનાએ પણ કહ્યું નથી. મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં સર્જાયેલી મડાગાંઠ માટે શિવસેના જ જવાબદાર છે.
મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેના પ્રશ્નના ઉત્તરમાં ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચૂંટાયેલી સરકારની જરૂર છે. દિવાળી પછી પડેલા કમોસમી વરસાદને લીધે 325 તાલુકામાં પાકને 90થી 100 ટકા નુકસાન થયું છે. અમે મહારાષ્ટ્ર ઉપર ફરી ચૂંટણી લાદવાનો પ્રયાસ નહીં કરીએ.
મહારાષ્ટ્રના કમોસમી વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોને શક્ય એટલી મદદ આપવાનો પ્રયત્ન કરશું. રાજ્યપાલે અમને કામચલાઉ સરકાર તરીકે નીતિવિષયક નિર્ણયો નહીં લેવાની અને નવાં કામો શરૂ નહીં કરવાની સૂચના આપી છે અને રોજબરોજનાં કામ કરશું, એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer