નોટબંધીની ત્રીજી વર્ષગાંઠે વિપક્ષનું આક્રમણ : ભાજપ મૌન

રાહુલ ગાંધીએ નોટબંધીને અર્થતંત્ર ઉપર આતંકી હુમલો ગણાવી દીધો
નવીદિલ્હી, તા.8: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ત્રણ વર્ષ પૂર્વે 8 નવેમ્બર 2016નાં રોજ નોટબંધી જાહેર કરીને દેશને સ્તબ્ધ કરી દીધો હતો. નોટબંધીની ત્રીજી વર્ષગાંઠે પણ તેનાં ઉપર રાજનીતિક પ્રતિક્રિયાઓ થંભી નથી. કોંગ્રેસે તો માર્ગો ઉપર ઉતરીને તેની સામે દેખાવ કર્યો હતો. તો સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ સહિતનાં વિપક્ષીદળોએ પણ સરકાર ઉપર હલ્લો બોલાવ્યો હતો. બીજીબાજુ ભાજપ આ મુદ્દે સદંતર મૌન ધારણ કરી ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર અતિસક્રિય વડાપ્રધાન મોદી તરફથી નોટબંધીને યાદ કરતું કોઈ ટ્વિટ પણ મૂકવામાં આવ્યું નહોતું.
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને આજે દેશનાં અર્થતંત્ર ઉપર આતંકવાદી હુમલો ઠરાવી દીધો હતો અને તેનાથી બરબાદી નોતરાઈ હોવાનું તેમણે કહ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, નોટબંધીથી લાખો નાના કારોબાર તબાહ થઈ ગયા હતાં અને બેકારી પણ વધી છે. નોટબંધીમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતાં. આના માટે જવાબદાર લોકોને સજા થવી જોઈએ. તો કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધીને સરકારે દરેક આર્થિક રુગ્ણતાનો ઉપચાર ગણાવી નાખેલો. જે ધરાશાયી  થઈ ગયો. તો પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આને એક આફત ગણાવી હતી. બસપાનાં અધ્યક્ષ માયાવતીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોઈપણ પૂર્વતૈયારી વિના અપરિક્વ ઢબે નોટબંધી થોપી દીધી હતી અને ત્યારથી લઈને આજે ત્રણ-ત્રણ વર્ષ સુધી જનતા તેનાં દુષ્પરિણામો ભોગવી રહી છે. 
સામે પક્ષે સરકાર કે ભાજપ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. વડાપ્રધાનની જેમ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ વિશે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. 
 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer