નહેરુ-ગાંધી પરિવારનું એસપીજી સુરક્ષા કવચ હટાવાયું : કૉંગ્રેસનો રાજકીય બદલાનો આરોપ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : કેન્દ્ર સરકાર ગાંધી પરિવારને અપાયેલું સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી) સુરક્ષા કવચ પાછું ખેંચી લેશે. ગાંધી પરિવાર એટલે કે સોનિયા, રાહુલ અને પ્રિયંકાને સીઆરપીએફ સુરક્ષા કવચ હેઠળ ઝેડ-પ્લસ સુરક્ષા ચાલુ રહેશે.
ગૃહ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ગાંધી પરિવારની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા તાલીમ પામેલા કમાંડો સંભાળી લેશે. તમામ એજન્સીઓ પાસેથી ખતરાને લગતી મળેલી માહિતીની આકારણી કર્યા બાદ એસપીજી સુરક્ષા કવચ પાછું ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરના ભૂતકાળમાં ગાંધી પરિવાર સામે કોઈ સીધો ખતરો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં જ સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘની સુરક્ષાને પણ ઘટાડી હતી. સિંઘની એસપીજી સુરક્ષાને હટાવીને તેમને ઝેડપ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નહેરુ-ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવાના મોદી સરકારના નિર્ણય સામે કૉંગ્રેસે રોષપૂર્ણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીકના સાથી અહમદ પટેલે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ભાજપ આખરે અંગત બદલો લેવા સુધી નીચે ઊતરી ગયો છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદે પણ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય કમનસીબ છે અને ભાજપ સરકારે રાજકીય બદલો લીધો છે.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા નાના પાટોલેએ જણાવ્યું હતું કે આ કાવતરું છે અને આરએસએસનો છુપો એજેન્ડા છે. દેશને ખબર છે કે, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે. ગાંધી પરિવાર પર ખતરો હોવાની વાત જગજાહેર છે. આ પરિવારને કૉંગ્રેસ કંઈ પણ થવા નહિ દે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એસપીજીની રચના કરવામાં આવી હતી.
રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે તેઓ એસપીજી સુરક્ષા કવચ હેઠળ નહોતા.
ઘણા કૉંગ્રેસીઓએ સરકારને એ વાતની યાદ અપાવવા સોશિયલ મીડિયાનો આશરો લીધો હતો કે ગાંધી પરિવારના બે વડા પ્રધાનોની ભૂતકાળમાં હત્યા થઈ ચૂકી છે.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer