એક વિધાનસભ્યને ભાજપ પચીસથી પચાસ કરોડની અૉફર કરે છે : કૉંગ્રેસ

ભાજપે કહ્યું, તોડફોડ કરીને સરકાર બનાવવી એ અમારી સંસ્કૃતિ નથી
મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં નવાં ચૂંટાયેલા વિધાનસભ્યોને પક્ષાંતર માટે પચીસથી પચાસ કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે અને કૉંગ્રેસના કેટલાંક વિધાનસભ્યોને પણ આવી અૉફર માટેના ફોન કૉલ્સ મળ્યા હોવાનો દાવો કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આજે કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે શિવસેનાએ તેના એક વિધાનસભ્યને પક્ષાંતર માટે પચાસ કરોડ રૂપિયાની અૉફર થયાનો દાવો કર્યો હતો અને કૉંગ્રેસના કેટલાક વિધાનસભ્યોને પણ પક્ષાંતર માટે પચીસથી પચાસ કરોડ રૂપિયાની અૉફરના ફોન કૉલ્સ મળી રહ્યા છે. વડેટ્ટીવારે કહ્યું હતું કે અમે અમારા વિધાનસભ્યોને આવા ફોન કૉલ્સ આવે તો તેનું રેકર્ડિંગ કરવાનું જણાવ્યું છે.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે કૉંગ્રેસના કેટલાક વિધાનસભ્યોએ પક્ષાંતર માટે ફોન કૉલ્સ આવ્યાનું જણાવ્યું છે અને આવા ત્રાસથી બચવા અમારા કેટલાક વિધાનસભ્યો મુંબઈની બહાર ચાલ્યા ગયા છે.
કૉંગ્રેસ કે શિવસેના તરફથી આવા દાવામાં ભાજપનું નામ નથી લેવાયું, પરંતુ ભાજપ તરફથી આવા આક્ષેપોનો ઇન્કાર કરાયો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અન્ય પાર્ટીના વિધાનસભ્યોના પક્ષાંતર કરાવવા કે ફોડવા એ અમારી પાર્ટીની સંસ્કૃતિ નથી. આવા આક્ષેપો આધારવિહોણા છે. કેટલાક દાયકા અગાઉ કૉંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભાની 200થી વધુ બેઠકો જીતતી હતી અને હવે આ આંકડો પચાસ સુધી પહોંચી ગયો છે, તેથી નિરાશ થયેલી કૉંગ્રેસ આવા મનઘડંત આક્ષેપો કરી રહી છે. 
 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer