મુખ્ય પ્રધાનપદ અંગે ખોટું કોણ બોલે છે?

અમિત શાહ ઍન્ડ કંપની જુઠાડી
મુંબઈ, તા. 8 : યુતિની વાટાઘાટોમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અઢી વર્ષ માટે શિવસેનાને મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાન પદ આપવા સંમત થયા હતા, પરંતુ હવે ભાજપ મને ખોટો સાબિત કરવા માગે છે, એવો આક્ષેપ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કર્યો હતો. 
ઉદ્ધવે ભાજપ સામે જાણે કે રણશિંગું ફૂંકતા હોય એમ જણાવ્યું હતું કે શિવસેનાના દિવંગત સુપ્રીમો અને મારા પિતા બાળાસાહેબ ઠાકરેને મેં વચન આપ્યું હતું કે એક દિવસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે શિવસૈનિક બિરાજશે, આ સપનું હું પૂર્ણ કરીશ,  પરંતુ એના માટે અમારે દેવેન્દ્ર ફડણવીસ કે અમિત શાહની જરૂર નથી.
વર્ષ 2014ની વિધાનસભાનો કાર્યકાળ આજે પૂર્ણ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ શિવસેના પ્રમુખ પણ પત્રકારો સમક્ષ આવ્યા હતા. રાજ્યપાલે ફડણવીસને રખેવાળ મુખ્ય પ્રધાન પદે ચાલુ રહેવાનું જણાવ્યું છે. 
ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યુતિ વખતે ભાજપે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ આપવાનું કોઈ જ વચન નહોતું આપ્યું, એ વિધાનને વખોડતા ઉદ્ધવ ઠાકરેએ વારંવાર એ વાતનો પુનરૂચ્ચાર કર્યો હતો કે આ બાબતે ભાજપે હું ખોટું બોલી રહ્યો હોઉ એવું ચિત્ર ઊભું કર્યું તેનાથી મને દુખ થયું છે. શિવસેનાના નેતાઓ અવાર-નવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં કંઈ જ બાકી નથી રાખતા એવા ફડણવીસના વિધાન અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મેં ક્યારેય વડા પ્રધાન મોદીની વ્યક્તિગત ટીકા નથી કરી, માત્ર કેન્દ્ર સરકારની નીતિઓની અવાર-નવાર ટીકા કરી છે.

અમિત શાહે કોઈ ખાતરી આપી નહોતી 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે સમજૂતી ચર્ચા થઈ ત્યારે અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ આપવાની વાત થઈ નહોતી, તે સમયે હું હાજર હોવાથી મને તેની ખબર છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના બીજા દિવસથી જ તેઓએ અમારી સામે બધા વિકલ્પો ખુલ્લા છે એવાં નિવેદનો કરવા માંડયાં હતાં, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજીનામાનો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને આપ્યો હતો. રાજ્યપાલે તેમને વૈકલ્પિક વ્યવસ્થા થાય નહીં ત્યાં સુધી કામચલાઉ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવાનુ કહ્યું છે. રાજીનામું આપ્યા પછી તુરંત જ પત્રકાર પરિષદને સંબોધતાં ફડણવીસે જણાવ્યું હતું કે કેટલાક નેતાઓ અમે તેઓના પક્ષના વિધાનસભ્યોને ફોડવાનો પ્રયત્ન ર્ક્યે હોવાનો આક્ષેપ કરે છે તે બિનપાયાદાર છે. તેઓ વિધાનસભ્યો ફોડવાનો પ્રયત્ન થતા હોવાના પુરાવા આપે અથવા ખોટા આક્ષેપ બદલ દિલગીરી વ્યક્ત કરે. અમારા નેતાઓ ઉપર શાબ્દિક હુમલા કરવામાં આવે છે. તેનાથી અમારી લાગણીઓને ઠેસ પહોંચી છે. અમે પણ તે શબ્દોમાં ઉત્તર આપી શકીએ છીએ. અમને તે આવડતું નથી એવું નથી, પરંતુ અમારા તે સંસ્કાર નથી. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે અમારી મિત્રતા અને સંબંધ રહ્યા છે, પણ તેઓ જે પ્રકારનો વ્યવહાર કરે છે તે અમે સહન કરી શકીએ એમ નથી.  Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer