એટ્રોસિટી ઍક્ટના દુરુપયોગના વિરોધમાં કરણી સેનાનું 11 નવેમ્બરે ગુજરાત બંધનું એલાન

એટ્રોસિટી ઍક્ટના દુરુપયોગના વિરોધમાં કરણી સેનાનું 11 નવેમ્બરે ગુજરાત બંધનું એલાન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 : એટ્રોસિટી ઍક્ટના દુરુપયોગના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી તા. 11 નવેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ અંગેના ગુજરાત રાજ્ય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસિટી ઍક્ટનો દુરુપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ હવે કરણી સેના આંદોલનના મંડાણ કરવા જઇ રહી છે અને તેના ભાગરૂપે જ તા. 11 નવેમ્બરે ગુજરાત બંધનું એલાન અને તા. 15 ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રૅલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ જ નહીં, પરંતુ તમામ સમાજના લોકો અને આગેવાનો સામેલ થશે અને કરણી સેનાની આ સામાજિક લડતમાં જોરદાર ટેકો આપશે. 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છના રાપર ખાતે એક જાહેરસભા દરમિયાન ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણ બદલ ગુજરાત રાજ્ય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ  એટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જેને લઇ સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનાના હજારો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક અસામાજિક તત્ત્વો દ્વારા એટ્રોસિટી ઍક્ટનો દુરુપયોગ કરી ખોટી રીતે આ ફરિયાદ દાખલ કરાઇ છે. આ માત્ર મારા પૂરતી વાત નથી, પરંતુ આ એક સામાજિક બદીના રૂપમાં આ સમસ્યા આકાર લઇ રહી છે. તેથી એટ્રોસિટી ઍક્ટનો દુરુપયોગ રોકવો પડશે અને આ માટે તમામ સમાજને સાથે લઇને લડત આપવાનું નક્કી કરાયું છે. 
આજે અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના નેજા હેઠળ અન્ય સમાજના આગેવાનો પણ એકઠા થયા હતા અને તેમની આ સામાજિક લડતમાં પોતાનો ટેકો અને સમર્થન જાહેર કર્યું હતું. આ લડતમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી પણ રાજપૂત સમાજના અને કરણી સેનાના હજારો કાર્યકરો ઉપરાંત અન્ય સમાજના હજારો લોકો તા. 15મી ડિસેમ્બરની રૅલી અને જનસભામાં ઊમટી પડશે.
 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer