આજે અયોધ્યાના ચુકાદાને પગલે મુંબઈમાં તગડો બંદોબસ્ત

આજે અયોધ્યાના ચુકાદાને પગલે મુંબઈમાં તગડો બંદોબસ્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલત આવતી કાલે સવારે 10.30 વાગ્યાથી ચુકાદો આપવાની હોવાથી મુંબઈ પોલીસે અશાંતિ સર્જાય નહીં તેમ જ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ પગલાં ભર્યાં છે. માત્ર મુંબઈ જ નહીં, પણ આખા દેશમાં પોલીસ તંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઈ પોલીસનું સંખ્યાબળ 40,000 જેટલું છે. તે બધાને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. મુંબઈમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એસ.આર.પી. અને રેપિડ ઍકશન ફોર્સની મદદ લેવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના ઉપાયુક્ત (જનસંપર્ક) પ્રણય અશોકે `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે અમે મુંબઈમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટેનાં પગલાં ભરી રહ્યા છીએ.
મુંબઈ પોલીસે ચોથીથી 18મી નવેમ્બર સુધી જમાવબંધીનો આદેશ અગાઉથી જ જારી કરી દીધો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા વૉટ્સઍપ, ટ્વીટ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સંદેશા ઉપર અગાઉથી જ નજર રાખવામાં આવી રહી છે. વૉટ્સઍપ વાપરનારાઓને પણ ઉશ્કેરણી જનક પોસ્ટ નહીં મૂકવાની સૂચના પોલીસ તરફથી આપવામાં આવી છે.
સોમવારે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ શહેરના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ, પત્રકારો અને ધાર્મિક વડાઓ સાથે બેઠક કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સન્માન આપવાની અપીલ કરી હતી.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer