મુંબઈ પર `મહા''નો મારો : વરસાદે કર્યાં હેરાન-પરેશાન

મુંબઈ પર `મહા''નો મારો : વરસાદે કર્યાં હેરાન-પરેશાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : વાવાઝોડું `મહા'ની મુંબઈ પર શુક્રવારે ખરેખર મહા અસર થઈ હતી. ગુરુવારે મધરાતથી થાણે, નવી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. ઘાટકોપર, ચેમ્બુર, સાંતાક્રુઝ, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં શુક્રવારે વહેલી સવારે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો. જ્યારે થાણે અને પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં થાણે જિલ્લામાં 59.94 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 
પાલઘર જિલ્લાના કેળવે, સફાળે, બોઈસર, દહાણુ, ચિંચણીમાં વીજળી સાથે વરસાદ પડયો હતો અને દરિયાકિનારે આવેલાં ગામમાં પાણી પણ ભરાઈ ગયાં હતાં. થાણે અને પાલઘર જિલ્લા પ્રશાસને મહા વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયારીઓ કરી રાખી છે, પરંતુ હવે અરબી સમુદ્રમાં વાવાઝોડાનું જોર ઓછું થઈ ગયું છે. શુક્રવારે નવી મુંબઈમાં પણ વરસાદનું જોર રહ્યું હોવાની માહિતી વેધશાળાએ આપી હતી. આવનારા ચોવીસ કલાક મુંબઈમાં વાદળિયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ગુરુવારે સવારે 8.30 વાગ્યાથી શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં કોલાબા વેધશાળામાં 0.2 મિલિમીટર અને સાંતાક્રુઝમાં 32.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 
 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer