મહારાષ્ટ્રમાં સત્તાની સમાન વહેંચણીની કોઇ શરત નહોતી : નીતિન ગડકરી

મહારાષ્ટ્રમાં સત્તાની સમાન વહેંચણીની કોઇ શરત નહોતી : નીતિન ગડકરી
કેન્દ્રના પ્રધાને કહ્યું, હું ભાજપ-શિવસેનાની યુતિ વચ્ચે મધ્યસ્થી માટે નથી આવ્યો
મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને અડધો-અડધ પ્રધાનપદ અને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ આપવાની કોઇ શરત યુતિ કરતી વખતે કરાઇ નહોતી, એમ કેન્દ્રના પરિવહન પ્રધાન અને ભાજપના નેતા નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું. ગડકરીનું આ વિધાન એ વાતનો સંકેત કરે છે કે સાથીદાર પાર્ટી શિવસેનાને મુખ્ય પ્રધાન પદ ન આપવાનું ભાજપનું વલણ હજુ યથાવત છે. 
આજે મુંબઈ આવેલા ગડકરીએ પહેલાં એવી સ્પષ્ટતા પણ કરી હતી કે સત્તાની વહેંચણી માટે ભાજપ-શિવસેના વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે તેમાં મધ્યસ્થી માટે હું નથી આવ્યો. પત્રકારો સાથેની વાતચીતમાં ગડકરીએ એમ પણ કહ્યું હતું કે મને માહિતી છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં શિવસેનાને અડધા મંત્રાલયો આપવા એવી કોઇ પૂર્વશરત યુતિ કરતી વખતે નક્કી નહોતી થઇ.
ગડકરીએ શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને યાદ કરતાં કહ્યું હતું કે એક વાર બાળાસાહેબ ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેનાની યુતિમાં જે સૌથી વધુ બેઠક લાવે એ પાર્ટીનો મુખ્ય પ્રધાન બને.
જોકે, શિવસેનાએ અગાઉ એક વીડિયો ક્લિપ જાહેર કરી હતી જેમાં મુખ્ય પ્રધાન ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પત્રકાર પરિષદમાં એવું કહી રહ્યાં છે કે યુતિની આગામી સરકારમાં ભાજપ-શિવસેના તમામ પદોની સમાન વહેંચણી કરશે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ શિવસેનાએ ફડણવીસના આ વિધાનના આધારે જ સત્તાની સમાન વહેંચણીની માગણી બુલંદ કરી છે. હવે ગડકરીના આ વિધાન બાદ યુતિની ભાગીદાર બંને પાર્ટી વચ્ચે નિવેદનબાજી વકરશે એવું કહી શકાય. 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer