ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસના ત્રણ ફોન ન લીધા

ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસના ત્રણ ફોન ન લીધા
શિવસેના પ્રમુખ બીજા ફોન પર છે, આરામ કરે છે અને તેઓ પછી ફોન કરશે એવા કારણો આપી વાત ન કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણીનાં પરિણામ આવ્યાં એ બાદ કુલ ત્રણવાર ફોન કર્યા હતા અને ત્રણે વખત ઉદ્ધવે ફોન લેવાનું એક યા બીજું બહાનું બતાવી ટાળ્યું હતું.
પહેલી વાર જ્યારે ફડણવીસે ફોન કર્યો ત્યારે ઉદ્ધવ બીજા ફોન પર વાત કરી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું.
બીજી વાર ફોન કર્યો ત્યારે ઉદ્ધવ ઠાકરે આરામ ફરમાવી રહ્યા છે એવું ફડણવીસને કહેવામાં આવ્યું હતું.
જ્યારે ત્રીજી વાર ફોન કર્યો ત્યારે ઉદ્ધવ હવે સામેથી ફોન કરશે એવો જવાબ મળ્યો હતો.
મુખ્ય પ્રધાન ફડણવીસે ગુરુવારે પત્રકાર પરિષદમાં પણ આ ફોન કરવાની બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મેં ઉદ્ધવ ઠાકરેને ઘણી વાર ફોન કર્યા હતા, પણ તેઓ ફોન પર આવ્યા નહોતા.
ફડણવીસ અને ઉદ્ધવના શ્રીમંત મિત્ર હોય એવા એક ઉદ્યોગપતિએ પણ બન્ને પક્ષ વચ્ચે ચર્ચા થાય એ માટે પ્રયત્ન કરેલા, પણ આ ઉદ્યોગપતિને રાજકારણની ચર્ચાથી દૂર રહેવાનું ઉદ્ધવ તરફથી જણાવી દેવાયું હતું.
જમણેરી હિન્દુવાદી નેતા સંભાજી ભીડેએ પણ ગુરુવારે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો હતો, પણ માતુશ્રીમાં ઉદ્ધવ ઠાકરે ગેરહાજર હોવાથી તેઓ પાછા ફર્યા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતને શુક્રવારે સંભાજી ભીડે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે શિવસેનાને કોઈની મધ્યસ્થીની જરૂર નથી. બધા કથિત અને તથાકથિત મધ્યસ્થોને જણાવવાનું કે કોઈએ મધ્યસ્થી કરવી નહીં. આ વિષય બે પક્ષ વચ્ચેનો છે, આમાં ત્રીજાએ વચ્ચે પડવાની જરૂર નથી.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer